December 26, 2024

દબાણ હટાવવા માટે AMCએ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ બનાવી, 48 વોર્ડમાં કાર્યવાહી

મિહિર સોલંકી, અમદાવાદઃ શહેરમાં દબાણ હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનફોર્સમેન્ટ સ્ક્વોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્કવોડ પોતાના નામની ડિઝાઇન કરેલી ગાડીમાં જશે અને તેમને આપેલા વિસ્તારમાં દબાણના કાર્યની દેખરેખ કરશે.

આ સમગ્ર અમદાવાદના 48 વોર્ડમાં 48 સ્ક્વોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્ય મુદ્દો એ છે કે, આ સ્ક્વોડ છેલ્લા 20-25 દિવસથી કાર્યરત થઈ ચૂકી છે, પરંતુ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેનને આ બાબતનો ખ્યાલ જ ન હતો. આજે થયેલી કમિટી બેઠકમાં તેમના દ્વારા અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી.

આ જોતા એવું કહી શકીએ કે, ક્યાંકને ક્યાંક ચેરમેન અને અધિકારીઓમાં સંલગ્નતા ઓછી છે. આ પહેલાં પણ આવી જ રીતે દબાણ માટેની એક ટીમ બનાવવામાં આવી હતી. તે રિક્ષામાં ફરતી હતી ત્યારે પણ અધિકારીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. પરંતુ ચેરમેનને આ વાતનો ખ્યાલ ન હતો. એટલે અહીં દવા એ જ પરંતુ બોટલ બદલાઈ તેવું જોવા મળે છે.