October 16, 2024

ઘોડા છૂટ્યાં પછી તબેલાંને તાળા, અમદાવાદ મનપાની દશેરા બાદ ફાફડાં-જલેબી વિક્રેતા પર કાર્યવાહી!

મિહિર સોલંકી, અમદાવાદઃ ‘ઘોડા છૂટ્યાં પછી તબેલાંને તાળા’ આ કહેવત જેવો ઘાટ અમદાવાદ મહાનગરપાલિકાએ સર્જ્યો છે. દશેરાનો તહેવાર ગયો… અમદાવાદીઓએ કરોડો રૂપિયાના ફાફડાં-જલેબી ખાઈ લીધા અને હવે મહાનગરપાલિકાએ દશેરા પછી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. જલેબી-ફાફડાં બનાવતા અને વેચતા ખાદ્ય એકમોની અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હવે તેના પરિણામો આવી ગયા છે.

નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે દશેરાના તહેવાર દરમિયાન અમદાવાદીઓએ મન મૂકીને જલેબી-ફાફડાં ખાધા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે અમદાવાદની ફાફડાં-જલેબીની દુકાનોમાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું. તેના પરિણામ આવી ગયા છે. આંકડાકીય માહિતી અંગે વાત કરીએ તો, છેલ્લા 20 દિવસ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા 271 એકમને નોટિસ આપવામાં આવી છે. 589 કિલો અને 403 લીટર બિનઆરોગ્ય ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયેલા સેમ્પલની વિગતો જોઈએ તો જલેબીના 26 સેમ્પલ, ફાફડાંના 11 સેમ્પલ, કઢી અથવા ચટણીનાં 02 સેમ્પલ, ઘીના 5 સેમ્પલ, ખાદ્ય તેલના 21 સેમ્પલ તો બેસન એટલે ચણાના લોટના 04 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ડેપ્યૂટી હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસમાં જલેબી, ફાફડા, કઢી, ચટણી, ઘી, ખાદ્ય તેલ સહિત બેસનના કુલ 69 સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાયા હતા. તેમાંથી આજ દિવસ સુધીમાં 49 સેમ્પલના પરિણામો આવી ગયા છે. આ બધાના પરિણામ પોઝિટિવ એટલે કે ખાવાલાયક આવ્યા છે. જ્યારે 20 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી છે. વધુમાં ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા પાસે ફૂડ ચેકિંગ માટે 2 ફૂડ સેફ્ટી વિલ્સ મોબાઈલ ટેસ્ટીંગ વાન છે. તેના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 589 કિલો અને 403 લીટર બિન આરોગ્ય ખાદ્ય નાશ કરવામાં આવ્યો છે અને આ અંગે 2.15 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.