December 25, 2024

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત, ગળે-હાથે બ્લેડ મારી

મિહિર સોની, અમદાવાદઃ એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો હોસ્ટેલના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાના નિશાન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કેસમાં મોબાઈલ સાથે પકડાયો હતો. જેથી ડિપ્રેશનમાં રહેતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી આપઘાતનું પગલું ભર્યું છે.

પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીનું નામ ઉર્વીન ચૂહિયા હતું અને તે એલડી એન્જિન્યરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. હોસ્ટેલના D બ્લોકના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાનાં ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતક હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નંબર 405માં રહેતો હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ અને રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. જેથી પોલીસને જાણ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ MSUના વીસીના બંગલે વિરોધ, 200 વિદ્યાર્થી સામે ફરિયાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિદ્યાર્થી મૂળ કચ્છ માંડવીનો રહેવાસી છે. તેની માતા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને મૃતક વિદ્યાર્થીની 1 જુલાઈએ પરીક્ષા હતી. જેમાં તે મોબાઈલ સાથે ઝડપાયો હતો. તેથી મોબાઈલ જપ્ત કરી લીધો હતો. વિદ્યાર્થીને ભવિષ્ય અંગે ડર લાગતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવી ગોકુળવાસનો રહેવાસી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વિદ્યાર્થી યુવકના મિત્રોની પૂછપરછ કરી અને પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.