January 27, 2025

ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા તોડવા મામલે બે આરોપીની ધરપકડ, હજુ ત્રણ ફરાર

અમદાવાદઃ ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે હજુ ત્રણ જેટલા આરોપીઓ ફરાર છે, તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બંને આરોપીને ઝડપી પાડ્યા છે. બે એક્ટિવા પર ચાર શખ્સો આવ્યા હતા. 22મીની રાત્રિના 3.30 વાગ્યે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખંડિત કરી હતી. આરોપી ભોલો અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને મૂર્તિ ખંડિત કરી હતી.

બે કોમ વચ્ચે જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે. નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચે તકરાર ચાલી રહી હતી. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. ત્રણ આરોપી શંકાસ્પદ મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર છે. 200 લોકોની પૂછપરછ કરી અને હ્યુમન ઈન્ટેલિજન આધારે આરોપીની ઓળખ થઈ છે.