February 23, 2025

કાંકરિયામાં વાઘના પીંજરામાં ઘૂસેલા યુવકની ધરપકડ, પ્રેમિકાને મનાવવા કર્યું કારનામું

મિહિર સોની, અમદાવાદઃ શહેરના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રેમિકાને મનાવવા અને ઇમ્પ્રેસ કરવા પ્રેમી વાઘના પીંજરામાં ઘૂસ્યો હતો. લોકોએ બુમાબુમ કરતા યુવક ઝાડ પરથી બહાર નીકળ્યો હતો. પાગલ પ્રેમીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે મણિનગર પોલીસે રોમિયો વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

પ્રેમમાં પ્રેમીઓ પ્રેમિકાને પ્રાપ્ત કરવા જાન આપી દેતા હોવાના અનેક કિસ્સા છે. ત્યારે પ્રેમનો મહિનો અને વેલેન્ટાઈન ડે ચાલે છે ત્યારે એક પાગલ પ્રેમીએ તો પ્રેમિકા માટે વાઘના પીંજરામાં ઘૂસવાની હિંમત કરી દીધી હતી. આ પ્રેમીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મણિનગર પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આ ઘટનાની વાત કરીએ તો, કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં ઉત્તરપ્રદેશના અરૂણકુમાર પાસવાન પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા સફેદ વાઘના પાંજરામાં ઝાડ પર ચડીને અંદર ઘુસી ગયો હતો. આ યુવકનો ઝાડ પરથી પગ ખસી જતાં પડતા પડતા બચ્યો હતો. પ્રેમિકા સાથે ફોન પર ઝઘડો થતા તેને મનાવવા અને ઇમ્પ્રેસ કરવા આ કૃત્ય કર્યું હતું. પરંતુ લોકોએ બુમાબુમ કરતા ઝૂના સ્ટાફ દ્વારા યુવકને બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે 26 વર્ષીય અરુણ કુમાર વિરુદ્ધ મણિનગર પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તર પ્રદેશથી અરુણ પાસવાન પાંચ વર્ષ પહેલાં મજૂરી કરવા અમદાવાદ આવ્યો હતો. આરોપી રખિયાલની એક કંપનીમાં નોકરી કરે છે ત્યાં જ ભાડે રહે છે. 4 વર્ષ પહેલાં UPથી પાડોશમાં એક યુવતી પોતાની બહેનના ઘરે આવી હતી. ત્યારે અરુણ અને યુવતી કાંકરિયા ફરવા ગયા હતા અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અરુણ યુવતીના પ્રેમમાં એટલો પાગલ હતો કે, તેને શરીર પર યુવતીનું ટેટૂ પણ બનાવ્યું હતું.

વેલેન્ટાઇનનો દિવસ ચાલે છે એટલે પ્રેમિકા સાથે વાત કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. રવિવારના રોજ મિત્રો સાથે કાંકરિયા ઝૂમાં ફરવા આવ્યો અને પ્રેમિકાને ફોન લગાવ્યો હતો. ત્યારે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. પ્રેમિકાએ અરુણને કહ્યું કે, હિંમત હોય તો વાઘના પીંજરામાં જઈને બતાવ. જેથી રુઠેલી પ્રેમિકાને મનાવવા અને ઇમ્પ્રેસ કરવા માટે અરુણ પાંજરામાં ઘુસી ગયો હતો. પ્રેમમાં અંધ બનેલા પાગલ પ્રેમીની કરતૂતની ગંભીરતાથી લઈને મણિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

આ મામલે મણિનગર પોલીસે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ અરુણ પાસવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કાંકરિયામાં વાંદરાને પજવતા એક યુવકનો પણ વીડિયો વાયરલ થયો હતો. તેને ઝૂના કર્મચારીઓએ માફી મંગાવી જવા દીધો હતો. પરંતુ પોલીસે વાઘના પીંજરામાં ઘૂસીને પોતાના જીવન સાથે રમત રમતા યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે.