કાબરા જ્વેલર્સે 12 ટીમ મેમ્બરને ગિફ્ટમાં આપી લક્ઝુરિયસ કાર, આ વર્ષનું ટર્નઓવર 200 કરોડ

યોગીન દરજી, નડિયાદઃ સુરતના હીરા કંપનીના માલિકે થોડા વર્ષો અગાઉ કર્મચારીઓને કાર ભેટમાં આપી હોવાની ઘટના તમને યાદ હશે. કંઈક આવી જ ઘટના અમદાવાદમાં પણ બની છે. અમદાવાદના જ્વેલર્સ કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનારા 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક 200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં ‘કેકે જ્વેલર્સ’ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે.
2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનારા કૈલાશ કાબરા, કાબરા જ્વોલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. કંપનીએ 200 કરોડનું ટર્નઓવર કર્યું હોવા છતાં પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઈનામ આપવાનું પસંદ કર્યું છે.
કૈલાશ કાબરા એ જણાવ્યું કે, ‘અમે માત્ર 12 સભ્યો સાથે રૂ. 2 કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી. આજે અમારી ટીમ 140 સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ 2024/25માં 200 કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે. આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત તો હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતા આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અને શરૂઆતથી અમારી કંપનીના પરિવારનો હિસ્સો રહેનારા ટીમ મેમ્બર્સને બિરદાવવા માગતો હતો.’
કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i10, હ્યુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી એર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી છે. આ પહેલ સુરતના હીરા વેપારી સવજી ધોળકિયાથી પ્રેરિત છે, જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાયકલ સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે.
કાબરા જ્વેલર્સ હાલમાં અમદાવાદમાં 7 શોરૂમ સંચાલિત કરે છે. ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે. આ કંપની ત્રણ મહિના પહેલા સફળ IPO લઈને આવી હતી.