November 23, 2024

હરણી બોટકાંડ મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો

અમદાવાદઃ વડોદરા હરણી બોટ દુર્ધટના મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ અહેવાલ કોર્ટમાં કર્યો રજૂ કર્યો હતો. સીલ બંધ કવરમાં સંપૂર્ણ ઉચ્ચ સ્તરીય અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના તપાસ અહેવાલ અને બોટ દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ટેન્ડર આપવાથી લઈને અનેક ગેરરીતિઓ મામલે ખુલાસો થાય તેવી શક્યતા છે. ગુજરાત હાઇકોર્ટે ઉચ્ચ સ્તરીય તપાસ કરી 2 મહિનામાં અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સમગ્ર મામલે રાજ્ય સરકારને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.

હાઇકોર્ટે જ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને તપાસ સોંપી હતી. હરણી લેક ઝોનમાં બોટ ડૂબી જવાને કારણે 12 બાળકો સહિત 14 લોકોનાં મોત નીપજ્યા હતા. જેના સમગ્ર રાજ્યમાં પડઘાં પડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?
વડોદરામાં 18 જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવમાં બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમિયાન હોડી પલટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.