December 25, 2024

હેલન કેલરના 144મા જન્મદિવસની ઉજવણી, અમદાવાદમાં સાઇકલ ચેરિટી રાઇડનું આયોજન

જયેશ ચૌહાણ, અમદાવાદઃ વિશ્વ વિખ્યાત લેખક અને હેલન કેલરના 144મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં અમદાવાદમાં સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા મેસેન્જર્સ ઓન સાઈકલની ચેરિટી રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા દિવ્યાંગો સાથે બાળકો અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વોકેથોન-સાયકલોથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સંસ્થા દ્વારા ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’નું આયોજન 10મી વખત થયું હતું. જેમાં દિવ્યાંગોનો જુસ્સો વધારવા માટે સાઇકલિસ્ટ્સ અને રનર્સ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે જોડાયા હતા. આ ઉપરાંત સામાન્ય લોકોને ડેફબ્લાઇન્ડનેસનો અનુભવ કરાવી જાગૃતિ વધારવા માટે અહીં ખાસ ડેફબ્લાઇન્ડનેસ ઝોન પણ બનાવાયો હતો. રેલીમાં સાઇકલિસ્ટ માટે 15 કિમી અને દોડવીરો માટે 5 કિમીનો રૂટ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર રૂટ પર પાણી, હાઇડ્રેશન તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં પણ આવી હતી. કાર્યક્રમનું આયોજન ડિફબલાઇન્ડનેસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ચેરિટી રાઇડમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં સ્વાસ્થ્યપ્રેમી નાગરિકો પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ રોંગ સાઇડ ડ્રાઇવના પહેલા દિવસે 190 લોકો સામે ગુનો નોંધાયો

સેન્સ ઈન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા આયોજિત ચેરિટી રાઇડ કાર્યક્રમને દિવ્યાંગોએ પણ આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી અમારી જીવન જીવવાની હિમંતમાં પણ વધારો થાય છે. આવા કાર્યક્રમોથી તેમને પણ અહેસાસ થાય છે કે, તેઓ સામાન્ય લોકોથી અલગ નથી પરંતુ બધા એકસમાન જ છે.

અમદાવાદની HL કોલેજમાં વહેલી સવારે સેન્સ ઈન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા દિવ્યાંગો માટે મેસેન્જર્સ ઓન સાઇકલ ચેરિટી રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્સ ઈન્ડિયા દર વર્ષે બધિર અને દ્રષ્ટિહીન પ્રખર લેખક હેલન કેલરના જન્મદિવસના પહેલાના રવિવારે દિવ્યાંગો માટે છેલ્લા 10 વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. જેના માધ્યમથી દિવ્યાંગોને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ પણ સમાજનો હિસ્સો છે અને સામાન્ય લોકો જેવા જ છે . આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી સાઈકલોથોન અને હેકેથોનને ફ્લેગ ઓફ આપ્યું હતું.