December 26, 2024

લાંબા વિરામ બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેને પગલે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી નાંખી છે. અમદાવાદના SG હાઈવે, રાણીપ, વાડજ, ચાંદખેડા, સેટેલાઈટ, શાહીબાગ, એરપોર્ટ, ગોતા, દરિયાપુર, શાહપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભરબપોરે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર-ઠેર પડેલા ભુવાઓને કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અમદાવાદમાં ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી છે.

24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નોંધાયો છે. અહીં અંદાજે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 8 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. દાહોદમાં 2.5 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.