January 17, 2025

GTUનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા માટે વધુ એક તક આપશે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કારણ કે જે વિદ્યાર્થીઓને બેકલોગ છે, તેવા વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. અનેક વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા માટે બે તક આપવામા આવતી હતી. પરંતુ વિદ્યાર્થીઓની રજૂઆત બાદ વિન્ટર 2024ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.

જીટીયુમાં ડિગ્રી એન્જીનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ સહિતનાં અનેક કોર્સિસ ચાલે છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ પાસ નથી થઈ શકતા. તેવા વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા માટે તક આપવામા આવે છે. યુજીસીના નિયમ મુજબ એન પ્લસ ટુ એટલે કે વિદ્યાર્થી જે વર્ષમાં અભ્યાસ પૂરો કરે તેનાં બે વર્ષ સુધી તે બેકલોગ પૂર્ણ કરીને ડિગ્રી મેળવી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં વધુ યુનિવર્સિટી દ્વારા વધુ એક વર્ષની તક આપવામાં આવે છે. પરંતુ રાજ્યના 21 હજાર જેટલા વિદ્યાર્થીઓને અગાઉ જાણ કરી હોવા છતાં પણ તેમને ફોર્મ ભર્યા નહોતા.

ગત ઉનાળુ પરીક્ષા આવા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક હતી. તેમ છતાં નિરાશા દાખવી હતી. પરંતુ જ્યારે હવે વિન્ટર એક્ઝામ નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ વધુ એક તક આપવા માટે યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. જેમાં યુનિવર્સિટીએ એકેડેમિક કાઉન્સિલમાં ઠરાવ કરીને વિદ્યાર્થીઓને વિન્ટર 2024ની પરિક્ષામાં આખરી તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કેએન ખેરે જણાવ્યુ હતુ કે, ‘નિયમ મુજબ યુજીસીના નિયમથી યુનિવર્સિટી વધુ એક તક આપી શકે છે. ગત વર્ષે પણ સમર 2024ની પરીક્ષા છેલ્લી તક હોવાનો યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ ફક્ત 5 હજાર વિદ્યાર્થીઓ દ્વારા જ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને વધુ એક તક માટે યુનિવર્સિટી પાસે રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થી હિત માટે નિર્ણય કરવામા આવ્યો છે. વિદ્યાર્થીઓએ 5 હજાર ફી ભરીને બેકલોગ પૂર્ણ કરવા માટે અરજી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ બેકલોગ બાકી છે તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકશે.’