અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની સેફ્ટી ચકાસણી, દિલ્હીથી અધિકારીઓ આવ્યાં
મલ્હાર વોરા, ગાંધીનગરઃ શહેરવાસીઓ માટે આજે ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેન શરૂ થાય તે માટે મેટ્રો ટ્રેનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સેફ્ટીનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી મેટ્રો કમિશનર આરકે શર્માએ મેટ્રોના ટ્રેક સહિત સ્ટેશનની સેફ્ટીનું નિરિક્ષણ કર્યું હતું.
ગાંધીનગરવાસીઓ માટે ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે દિલ્હીથી મેટ્રો કમિશનર સહિત અન્ય અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. આ તમામ અધિકારીઓ આજે ગાંધીનગર સેકટર-1 મેટ્રો સ્ટેશન સહિત ટ્રેક સેફટીનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્હીથી ગાંધીનગર આવેલા મેટ્રો કમિશનર આરકે શર્માએ સમગ્ર ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ગાંધીનગર સેકટર-1થી મોટેરા સુધી આવતા તમામ સ્ટેશનોની જાત તપાસ કરી હતી.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની નવી આગાહી, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા
મહત્વનું છે કે, ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન શરુ થશે તો સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. ખાસ કરીને અમદાવાદ નદી પારથી આવતા કર્મચારીઓ મેટ્રોના માધ્યમથી ગાંધીનગર સુધી મુસાફરી કરી શકશે. નોંધનીય છે કે, થોડાં દિવસ પહેલાં મેટ્રોનો ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને કોબાથી તપોવન પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપરથી મેટ્રોના વજનનું પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મેટ્રો ઓથોરિટીએ દિલ્હી મેટ્રોના કમિશનરને આમંત્રણ આપીને સેફટી ચકાસણીની માગ કરતા અધિકારીઓ ગાંધીનગર આવ્યા હતા. સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડવવાની પરમિશન આપશે.