February 4, 2025

અમદાવાદમાં મિત્રએ મજાક કરતા છરી વડે હુમલો કરી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં બે મિત્રો વચ્ચે મજાક મસ્તી બની લોહિયાળ..મૃતકે મજાક કરતા આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું સારવાર બાદ મોત થયું છે. પૂર્વ પ્રેમિકા સાથે મૃતકના સબંધની શંકાને લઈને આરોપીએ હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી અયાન પઠાણની મિત્રની હત્યા કેસમાં વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. ફતેવાડીમાં રહેતા 27 વર્ષીય શેઝાન નાશીર હુસેન કુરેશી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 30 જાન્યુઆરીએ રાત્રે શેઝાન તેના ઘર આગળ રીક્ષામાં બેઠો હતો. ત્યારે તેનો મિત્ર અયાન પઠાણ મજાક મસ્તી કરતો હોવાથી શેઝાને તેને મસ્તી કરવાની ના પાડી હતી. જેને લઇને અયાને ઉશ્કેરાઇ જઈને છરી કાઢીને હુમલો કર્યો હતો. જોકે શેઝાન ત્યાંથી ખસી જતા તેને હથેળીના ભાગે છરીનો ઘા વાગ્યો હતો. આરોપી અયાને શેઝાન પર ફરી હુમલો કરતા તેને છાતીના ભાગે છરીનો ઘા વાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ દરમ્યાન શેઝાને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેને સોલા સીવીલ હોસ્પીટલ ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શેઝાનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને હત્યાના ગુનામાં અયાન પઠાણની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી અયાન મિયા પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અમદાવાદમાં મારામારી, ચોરી જેવા 10 ગુના અને મોડાસા ટાઉનમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી અયાન મૂળ વટવાનો રહેવાસી છે અને મૃતક શેઝાન સાથે 15 દિવસ પહેલા પરિચયમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અયાનની પૂર્વ પ્રેમિકાને લઈને મૃતક શેઝાન મજાક મસ્તી કરી હતી. જેથી આરોપી અયાનને શંકા ગઈ કે પૂર્વ પ્રેમિકા સાથે શેઝાન અફેર હશે. જે વાતથી ઉશ્કેરાઈ જઈને આરોપી અયાન છરી વડે હુમલો કરીને શેઝાનની હત્યા કરી દીધી હતી.

વેજલપુર પોલીસે આરોપી અયાનની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ છરી કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ આરોપી રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે કે હત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.