December 25, 2024

‘અમે તમારા સગા’ કહીને લોકોને છેતરતા ‘બંટી-બબલી’ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં એક દંપત્તિએ છેતરપિંડી માટે વિચિત્ર કિમિયો વાપર્યો હોવાનું સામે આવ્યું છે. આ દંપત્તિ અને અનેક લોકોના ડોક્યુમેન્ટ મેળવી લઇ તેના નામે લોન કરાવી ટૂ વ્હીલર ખરીદતા અને અન્ય વ્યક્તિને વેચી પૈસા મેળવી છેતરપિંડી આચરતા હતા. જોકે, બંનેનો ભાંડો ફૂટ્યો અને રખિયાલ પોલીસે આરોપી ઠગ દંપત્તિની ધરપકડ કરી લીધી છે.

આરોપી મયુર રામશંકર દવે અને પુષ્પા મયુર દવેએ છેતરપિંડી આચરવા માટે એક અલગ જ મોડ્સ ઓપરેન્ડી વાપરી છે. જે પોતાના પરિચિત વ્યક્તિઓના કઈક લાલચ આપીને તેના ડોક્યુમેન્ટ લઇ લેતા અને આ ડોક્યુમેન્ટ ના આધારે તેઓની જાણ બહાર અલગ અલગ બેંકોમાંથી ટુ વ્હીકલ લોન લઈને એ વ્હીકલ ખરીદી સસ્તા ભાવે વેચી દેતા હતા. જો કે મોંઘીદાટ બાઈક અને એક્ટિવા ખરીદી અને કોઈને પણ અડધી કિંમતમાં વેચી દેતા હતા. જેથી ઓછી કિંમતમાં ટું વ્હીલર વેચતા તેમની પાસે લેવા આવતા હતા.

ભોગ બનનારની જાણ બહાર લેવાયેલી લોનના હપ્તા ન ભરાય અને બેન્ક કર્મીઓ ભોગ બનનારના ઘરે ટૂ વ્હીલર રિકવર કરવા જાય ત્યારે જાણ થતી કે તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામા આવી છે. આ દંપત્તિએ પોતાના પરિચિત હોય એવા અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હતી. જેમાના એક દામિની બેન પણ આવા જ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે દંપતી ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે છેતરપીંડી નાં માસ્ટર માઈન્ડ પુષ્પા દવે હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ દંપતી ની અગાઉ મણિનગર પોલીસે આ જ મોડ્સ ઓપરેન્ડી થી છેતરપીંડી કરવાના કેસમા ધરપકડ પણ કરી હતી. જે બાદ ફરી એક વખત પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ત્યારે અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપીંડી આચરી ને ટુ વ્હીલર મેળવી ને વેચી ચૂક્યા છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.