અમદાવાદમાં EDની મોટી કાર્યવાહી, 5 દિવસના સર્ચ ઓપરેશનમાં 1646 કરોડની વિવિધ ક્રિપ્ટો કરન્સી જપ્ત

અમદાવાદઃ EDની ટીમે શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બિટકનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 1646 કરોડની વિવિધ ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી છે. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ક્રિપ્ટો કરન્સી ઉપરાંત 13.50 લાખથી વધુની રોકડ, લેક્સસ બનાવટની કાર સહિત વિવિધ ઉપકરણો જપ્ત કર્યા હતા.
અમદાવાદમાં EDએ સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીમાં 1646 કરોડ રૂપિયાના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે.
અમદાવાદના પ્રવર્તન નિદેશાલયે બિટકનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ, 2002 (“PMLA”) ની જોગવાઈઓ હેઠળ, આશરે 1646 કરોડ રૂપિયાની કિંમતની વિવિધ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ગુનામાંથી મળેલી રકમ જપ્ત કરી છે. ઉપરોક્ત ક્રિપ્ટોકરન્સી ઉપરાંત, રોકડા ભારતીય રૂપિયા 13,50,500, એક લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રવર્તન નિદેશાલયે CID, ક્રાઇમ, પોલીસ સ્ટેશન, સુરત દ્વારા નોંધાયેલી FIRના આધારે PMLAની જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરી છે. PMLA હેઠળ તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે નવેમ્બર, 2016થી જાન્યુઆરી 2018ના સમયગાળા દરમિયાન આરોપીઓએ બિટકનેક્ટના કથિત “લેન્ડિંગ પ્રોગ્રામ”માં રોકાણના રૂપમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને બિન-નોંધાયેલી ઓફર અને વેચાણ કર્યું હતું. વિશ્વભરના રોકાણકારો તરફથી જેમાં ભારતમાં સ્થિત રોકાણકારોનો પણ સમાવેશ થાય છે.
બિટકનેક્ટના સ્થાપકે એક અસંગઠિત સંસ્થાનું સ્થાપન કર્યું હતું અને ત્યારબાદ પ્રમોટરોનું વિશ્વવ્યાપી નેટવર્ક સ્થાપિત કર્યું અને તેમને કમિશન આપીને તેમના પ્રમોશનલ પ્રયાસો માટે પુરસ્કાર આપ્યો હતો.
રોકાણકારોને કથિત ધિરાણ કાર્યક્રમમાં રોકડ અને બિટકોઇનના રૂપમાં ભંડોળ જમા કરાવવા માટે પ્રેરિત કરવા માટે બિટકનેક્ટે અન્ય બાબતોની સાથે, એવું પણ રજૂ કર્યું કે બિટકનેક્ટ એક કથિત માલિકીનું “વોલેટિલિટી સોફ્ટવેર ટ્રેડિંગ બોટ” (“ટ્રેડિંગ બોટ”) તૈનાત કરશે. તેમનો દાવો હતો કે, રોકાણકારોના ભંડોળનો ઉપયોગ દર મહિને 40% જેટલું ઊંચું વળતર જનરેટ કરવા માટે કરશે અને તેમણે બિટકનેક્ટ વેબસાઇટ પર કાલ્પનિક વળતર પોસ્ટ કર્યું હતું. જે સરેરાશ દરરોજ 1% અથવા વાર્ષિક ધોરણે આશરે 3,700% જેટલું હતું. આ દાવાઓ બનાવટી હતા. કારણ કે, આરોપીઓ જાણતા હતા કે બિટકનેક્ટ તેના કથિત ટ્રેડિંગ બોટ સાથે વેપાર કરવા માટે રોકાણકારોના ભંડોળનો ઉપયોગ કરતું નથી. તેના બદલે તેમણે રોકાણકારોના ભંડોળને તેમના દ્વારા નિયંત્રિત ડિજિટલ વોલેટ સરનામા પર ટ્રાન્સફર કરીને તેમના ફાયદા માટે અને તેમના સહયોગીઓના ફાયદા માટે ચોરી કરી હતી.
તપાસ દરમિયાન અમદાવાદની પ્રવર્તન નિદેશાલય ઝોનલ ઓફિસે આ ક્રિપ્ટો વોલેટ્સના મૂળ અને નિયંત્રકોને છુપાવવા માટે અસંખ્ય ક્રિપ્ટો વોલેટ્સમાં કરવામાં આવતા વ્યવહારોના જટિલ નેટવર્કની તપાસ કરી હતી. એવું જાણવા મળ્યું કે, વ્યવહારો શોધી ન શકાય તે માટે ડાર્ક વેબ દ્વારા મોટી સંખ્યામાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. જો કે, અસંખ્ય વેબ વોલેટ્સને ટ્રેક કરીને અને ભૂમિ પર ગુપ્ત માહિતી એકત્રિત કરીને પ્રવર્તન નિદેશાલયે વોલેટ્સ અને તે જગ્યાઓ પર શૂન્ય-ઇન કરવામાં સક્ષમ હતી, જ્યાં ક્રિપ્ટો કરન્સી ધરાવતા ડિજિટલ ઉપકરણો ઉપલબ્ધ હતા. ત્યારબાદ શોધખોળ હાથ ધરીને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા અને 1646 કરોડ રૂપિયાની (આશરે) કિંમતની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી અને પ્રવર્તન નિદેશાલયના (ED) એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી. ઉપરોક્ત ક્રિપ્ટોકરન્સી ઉપરાંત રોકડા ભારતીય રૂપિયા 13,50,500 (રૂપિયા તેર લાખ પચાસ હજાર પાંચસો માત્ર), એક લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ અગાઉ ઉપરોક્ત કેસમાં અમદાવાદ પ્રવર્તન નિદેશાલય ઝોનલ ઓફિસે 489 કરોડ રૂપિયા (આશરે) ની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી. ઓનલાઈન સ્ત્રોતો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, વિદેશી નાગરિકોએ પણ બિટકનેક્ટમાં રોકાણ કર્યું હતું અને બિટકનેક્ટ કેસના મુખ્ય આરોપીની પણ યુ.એસ.એ.માં તપાસ ચાલી રહી છે.