December 25, 2024

ચોરોને બચાવવા સંતે ઘોડાનો રંગ બદલીને ધોળો કર્યો, શિવજી ઓળખાયા ‘ધોળેશ્વર મહાદેવ’ તરીકે

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાના તેરમા દિવસે આપણી યાત્રા પહોંચી ગઈ છે ગાંધીનગર. સાબરમતી નદીના કિનારે આવેલું છે પૌરાણિક શિવાલય કે જે ઓળખાય છે ધોળેશ્વર મહાદેવના નામે. આવો જાણીએ ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, સતયુગમાં આ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શિવાલયમાં ઇન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી હોવાથી પહેલા આ શિવાલય ઇન્દ્રના નામે ઓળખાતું હતું. પૌરાણિક કથા મુજબ, પેશ્વાની સરકારમાં કડિયા મહારાજ મલ્હારરાવ નામે સુબેદાર રાજ કરતા હતા. તે વખતે રાજની ઘોડા શાળામાંથી ઘોડાઓની ચોરી કરી રહેલી ચોર ટોળકીનો રાજના સૈનિકોએ પીછો કર્યો હતો. ચોર શિવાલયમાં સંતાઈ ગયા હતા. બાજુમાં ધૂણી ધખાવી બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરતા તેમણે ચોરને ફરીથી આવું કૃત્ય નહીં કરવાની શરતે બચાવ્યા હતા. પરંતુ તેમણે ચોરેલા ઘોડા લાલ અને કાળા રંગના હતા. તેથી સિપાહી તેમને ઓળખી ન જાય તેથી ઘોડાનો રંગ બદલીને ધોળા બનાવી દીધા હતા. ત્યારથી આ શિવ ધોળેશ્વર મહાદેવના નામે ઓળખાયા હતા.

પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ
વૈદિક ધર્મના પુરાણો તરીકે, મહર્ષિ વેદવ્યાસના અઢાર પુરાણોમાંના ઉત્તર ક્રિયા ખંડ અધ્યાય 151 અને સ્કંદ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મ્ય તરીકે આ શિવાલયનું વર્ણન કરેલું છે. ધોળેશ્વર મંદિરમાં ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા ચાલી રહી છે, જ્યારે 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે.

ઈન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી
આ મંદિરની એવી પણ માન્યતા છે કે, જો કોઈ ભક્ત કાશીની મુલાકાત ન લઈ શકે તો આ સ્થાનની મુલાકાત લઈને સાબરમતી નદીમાં સ્નાન કરવાથી કાશી સમાન પુણ્ય મળે છે. ભગવાન ઈન્દ્ર પણ અહીં સાબરમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી શિવજીની પૂજા કરી હતી અને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા. તેથી ઇન્દ્રએ અહીં મંદિર બંધાવ્યું હતું.

કેવી રીતે પહોંચી શકાય?
ધોળેશ્વર મહાદેવ મંદિર જવા માટે અમદાવાદ અને ગાંધીનગરથી ટેક્સી કે રિક્ષાની સુવિધા મળી રહે છે. તેથી રેલ માર્ગે કે સડક માર્ગે ગાંધીનગર અથવા અમદાવાદ પહોંચીને ત્યાંથી ધોળેશ્વર મહાદેવ સરળતાથી જઈ શકાય છે.