December 19, 2024

અંગત અદાવતમાં પગ ભાંગવાની સોપારી આપી તો આરોપીએ વૃદ્ધને પતાવી દીધા; 3 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ મંદિરમાં ચંપલ પહેરીને જતા યુવકને ઠપકો આપનારા વૃદ્ધની ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. દોઢ વર્ષ બાદ વિદેશમાં રહેતા ભાઈ સાથે મળીને યુવકે સોપારી આપીને વૃદ્ધની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. દેત્રોજ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલીને 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લાના દેત્રોજના ઓઢવ ગામમા 70 વર્ષના શંભુભાઈ પટેલ નામના વ્યક્તિને ગત તારીખ 17 મેના રાત્રિના તેઓ પોતાની દુકાન બહાર સૂતા હતા. ત્યારે અજાણ્યા લોકોએ પગ પર લાકડી અને ધારિયાના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. જેમાં સારવાર દરમિયાન વૃદ્ધ શંભુભાઈનું મોત નીપજ્યું હતું. મૃતક શંભુભાઈના દીકરા ભરત પટેલે દેત્રોજ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસમાં હત્યા સોપારી આપીને કરાવી હોવાનો ખુલાસો થયો હતો અને આ સોપારી યુએસમાં રહેતા રવિ ઉર્ફે ખજૂરી પટેલ અને તેના ભાઈ સૌરભ પટેલે આપી હોવાનું ખૂલતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આરોપી સૌરભ પટેલ, જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ઝાલા અને સંદિપસિંહ ઝાલાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આજથી એકાદ વર્ષ પહેલા જ્યારે શંભુભાઈ કરિયાણાની દુકાનમાં હતા. ત્યારે તેમની દુકાન સામે આવેલા રામજી મંદિરમાં તે જ ગામનો સૌરભ પટેલ નામનો યુવક ચંપલ પહેરીને મંદિરમાં જતો હતો. ત્યારે તેને વૃદ્ધે રોક્યો હતો. જેથી તેમની વચ્ચે તકરાર અને મારામારી થઈ હતી. જેમાં સૌરભને ફ્રેક્ચર થયું હતું. સૌરભ પટેલે સમગ્ર ઘટનાની વાતચીત તેના ભાઈ રવિ ઉર્ફે ખજુરીને કરી હતી. ત્યારે રવિએ સૌરભને મોકો મળે ત્યારે શંભુભાઈના પગ ભાંગી નાખવાની વાત કરી હતી. જો કે, સમગ્ર ઘટનાને દોઢ વર્ષ જેટલું થઈ ગયા બાદ રવિ ઉર્ફે ખજુરી હાલ US રહે છે અને ત્યાંથી રવિએ તેના ગામ અને આસપાસના અમુક પરિચિત લોકોને શંભુભાઈના પગ ભાંગી તેને ઇજાગ્રસ્ત કરવાની સોપારી આપી હતી. જેથી 17 મેના દિવસે શંભુભાઈ દુકાન બહાર સૂતા હતા. ત્યારે આરોપીઓએ શંભુભાઈના પગ પર લાકડી અને ધારિયા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન શંભુભાઈનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

આ હત્યા કેસમાં દેત્રોજ પોલીસે સૌરભ પટેલ, મુખ્ય આરોપી જોરાવરસિંહ ઝાલા ઉર્ફે ભોટુ અને સંદીપસિંહની ધરપકડ કરી છે. જ્યારે યુએસથી ફોનમાં સોપારી આપનારા રવિ પટેલ તેમજ છનુભા ઝાલા અને ખુમાનસિંહ ઝાલાની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. દોઢ વર્ષ પહેલા થયેલી સામાન્ય તકરારમાં આ હત્યાનુ ષડયંત્ર રચાયું છે કે, અન્ય કોઈ અદાવત છે. તે મુદ્દે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.