ગરમીને ધ્યાનમાં રાખીને સ્કૂલોમાં સવારે 10 વાગ્યા સુધીમાં કામગીરી પતાવવા આદેશ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેર સહિત રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. જેને લઇને અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા તમામ સ્કૂલોને પત્ર લખીને કામગીરી 10 વાગ્યા સુધી પૂર્ણ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રવેશ સહિતની કામગરી સવારે કરવા આદેશ કર્યો છે.
અમદાવાદના DEOએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે શાળાને આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રવેશ, વહીવટી કામગીરી અને પરિણામ વિતરણની કામગીરી સવારે 7થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં પૂર્ણ કરવાની રહશે. તેમજ DEO ઓફિસની કામગીરી પણ શક્ય હોય તો રૂબરૂ જવાને બદલે ઇમેઇલ અને ફોનથી પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે
હાલમાં RTEની પ્રવેશ કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે હીટવેવમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેને લઈને DEO કચેરીએ નિર્ણય કર્યો છે કે, કોઈપણ વાલીને કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે સારથી હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.