September 19, 2024

‘નમો સરસ્વતી’ યોજનામાં યોગ્ય કામગીરી ન કરનારી 35 શાળાને નોટિસ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ યોજના શરુ કરવામાં આવી છે. વેકેશન દરમિયાન જ ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજના માટેના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અમદાવાદની કેટલીક એવી શાળાઓ છે જેમણે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં બેદરકારી દાખવી છે, તે ધ્યાને આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની 35 સ્કૂલને નોટિસ ફટકારી શાળાઓ પાસે ફોર્મ ભરવામાં બેદરકારી બદલ ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ સાયન્સ તરફ વળે તે હેતુથી ધોરણ 9થી 12માં વિદ્યાર્થિની માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો સરસ્વતી’ યોજના શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓની વિગતો સાથેના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ વેકેશન દરમિયાનથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અનેક શાળાઓએ તેમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. આ અંતર્ગત DEO દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આચાર્યોની બેદરકારીના કારણે ફોર્મ ભરવામાં 100 ટકા રજિસ્ટ્રેશન થયું નથી. આવી 35 શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ નશાખોર પતિથી કંટાળેલી પત્ની બની ગઈ ડ્રગ પેડલર, આખરે થઈ ગઈ ધરપકડ

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ ન્યૂઝ કેપિટલને જણાવ્યું હતું કે, ‘સરકારની સ્કોલરશિપ યોજના અંતર્ગત ઝડપથી રજિસ્ટ્રેશન કામગીરી કરવાની થાય છે. પરંતુ કેટલીક શાળાઓ દ્વારા આ રજિસ્ટ્રેશન કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી છે જે ચલાવી લેવાય તેમ નથી. એટલું જ નહીં કેટલીક શાળઓએ ફોર્મ ભરવામાં આળસ કરી છે જે પણ ચલાવી લેવાય નહીં. કેટલીક શાળાઓ એવી હતી કે, રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ટેક્નિકલ ખામી સર્જાતી હતી. તે અમારી ઓફિસ કક્ષાએથી દૂર કરવામાં આવી છે. જે પણ આચાર્ય દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે તેમનો ખુલાસો યોગ્ય નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે.’