January 16, 2025

એક ક્લિકથી વાલીઓ શાળાના સંચાલક-આચાર્યને ફોન કરી શકશે,અમદાવાદ DEOની નવી પહેલ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના વાલીઓએ હવે ફક્ત એક ક્લિકથી શાળાના સંચાલક અને આચાર્યને ફોન કોલ કરી શકશે. અમદાવાદના ડીઇઓ દ્વારા સંપર્ક સેતુ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેનાથી વાલીઓ અમદાવાદની કોઇપણ શાળાના આચાર્ય અને સંચાલકને ફોન કરીને વિગત મેળવી શકશે.

અમદાવાદની વાત કરવામાં આવે તો હાલમાં અમદાવાદ શહેરમાં અંદાજિત બે હજાર જેટલી શાળાઓ કાર્યરત છે. જો વાલીઓએ કોઇપણ સંચાલક કે પછી આચાર્યને ફોન કરવો હોય તો તેઓ કરી શકતા નહોતા. શાળાના આચાર્યનો નંબર મળી શકતો નહોતો. પરંતુ ડિજિટલ યુગમાં તમામ સંચાલકોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય અમદાવાદના જિલ્લા શિક્ષણાઘિકારી દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના ડીઇઓ દ્વારા સંપર્ક સેતુ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. તેનાથી અમદાવાદની કોઇપણ શાળાના આચાર્ય અથવા સંચાલકનો ફોન નંબર એપ્લિકેશનના માધ્યમથી મળી શકશે.

આ મામલે વાત કરતા અમદાવાદના ડીઇઓએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં વિશ્વ નાનું થઈ રહ્યું છે. ત્યારે ડિજિટલ ડાયરી તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ શહેરમાં 2 હજાર જેટલી પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ડેટ અને ખાનગી શાળાઓ આવેલી છે. આ એપ્લિકેશનથી આચાર્યો અન્ય સ્કૂલના આચાર્યોને, સંચાલકો અન્ય સંચાલકોને કોલ કરી શકશે. આ એપ્લિકેશનમાં વિસ્તાર સિલેક્ટ કરવાથી જે-તે વિસ્તારની તમામ શાળાઓ આમાં જોવા મળશે.