ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અનોખી પહેલ, ફ્રીમાં JEE-NEETનું કોચિંગ મેળવી શકશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ એન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓનાં વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને જેઇઇ અને નીટની તૈયારી કરાવે છે. ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ નવી પહેલ કરી છે, જેમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જેઇઇ અને નીટનું કોચિંગ મળી રહેશે.
એક વિદ્યાર્થીએ જેઇઇ અને નીટની તૈયારી કરવી હોય તો વાલી તેમના બાળક માટે વાર્ષિક બેથી ચાર લાખ રૂપિયાની ફી ભરે છે. પરંતુ જે બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફી તો દૂરની વાત રહી પરંતુ કોચિંગ પણ મેળવી શકતા નથી. તેને કારણે અમદાવાદના ડીઇઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં મિશન સિદ્રત્વ અંતર્ગત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જેઇઇ અને નીટનું કોચિંગ આપવામાં આવશે.
ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ કૃપાબેન જ્હાએ જણાવ્યું હતું કે, ‘વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને ધોરણ 11થી જેઇઇ અને નીટની તૈયારીઓ કરી શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓના વાલીઓ એટલા સમક્ષ નથી હોતા કે તેઓ શહેરી વિસ્તારની જેમ કોચિંગ પૂરૂ પાડી શકે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ટાટા મોટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઇને સીએસઆરથી અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જેઇઇ અને નીટનું કોચિંગ આપવામા આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓને દૈનિક 2 કલાક શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત સાપ્તાહિક પરીક્ષા પણ લેવામાં આવશે.’