November 5, 2024

“FRCના આદેશોનું પાલન કરો, નહિતર…”, અમદાવાદ DEOનો ખાનગી શાળાઓને પરિપત્ર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ખાનગી સ્કૂલોને ફી વધારીને ફી નક્કી કરવામાં આવી છે. FRCએ સ્કૂલની નક્કી કરેલો ફીનો ઓર્ડર સ્કૂલોએ ફરજિયાત નોટિસ બોર્ડ પર મુકવાનો નિયમ હોવા છતા કેટલીક સ્કૂલો દ્વારા નોટિસ બોર્ડ ઉપર અને વેબસાઈટ પર ઓર્ડર મુકવામાં આવતો નથી. જેને લઈને DEO દ્વારા તમામ શાળાઓને પરિપત્ર કરીને FRCના ઓર્ડરને નોટિસ બોર્ડ પર મુકવા જણાવવામાં આવ્યુ છે. જો શાળા દ્વારા નિયમનું પાલન કરવામા નહી આવે તો માન્યતા રદ્દ કરવા સુધીના પગલાં ભરવાની કાર્યવાહી થશે.

ન્યુઝ કેપીટલ સાથેની વતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે શહેરની તમામ ખાનગી સ્કૂલોના સંચાલકો અને આચાર્યોને જણાવવામાં આવ્યું છે કે સ્કૂલોએ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદ ઝોનની ફી મંજુર કરાવી છે. જેમાં સ્કૂલને મળેલ ફીના ઓર્ડરનું અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચાલુ વર્ષની કે જે ફી લેવામાં આવતી હોય તે FRCના ઓર્ડરની કોપી વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકે તે મુજબ સ્કૂલના બહાર નોટિસ બોર્ડ અને સ્કૂલની વેબસાઈટ પર ફરજિયાત મુકવા જણાવ્યું હતું. પરંતુ, કેટલીક સ્કૂલો સ્કૂલના નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર FRCનો ઓર્ડર મુકતી નથી. જેથી તમામ સ્કૂલે ફરજિયાત FRCનો ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂકવાનો રહેશે અને તેનો ફોટો બીટ મદદનીશ શિક્ષણ નિરીક્ષકને મોકલી આપવાનો રહેશે. જે પણ સ્કૂલ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તે સ્કૂલ સામે દંડનીય અથવા શિક્ષાત્મક અને સ્કૂલની માન્યતા રદની કાર્યવાહી કરવામાં આવશે.