December 26, 2024

મજૂરી કામ કરતાં માતાપિતાની દીકરીએ અપાવ્યું ગૌરવ, પાસ કરી CA ઇન્ટરમિડીયેટ પરીક્ષા

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: એવું કેહવાય છે કે ‘અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ અને આ કહેવત સાર્થક કરી છે અમદાવાદની વિદ્યાર્થિનીએ. જેના માતા પિતા મજુરી કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે, દીકરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટરમિડીયેટ પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે.

અમદાવાદની સી. યુ. શાહ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ધર્મિષ્ઠા પ્રજાપતિના માતા પિતા મજૂરી કામ કરે છે. પિતા સુથારી કામ કરે છે જ્યારે માતા લોકોના ઘરોમાં કામ કરીને પેટે પાટા બાંધીને પોતાની દીકરીને તેના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ધર્મિષ્ઠા પ્રજાપતિએ ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને મારા માતા-પિતા પર ગર્વ છે કે તેઓએ મને મજૂરી કરીને ભણાવીને મોટી કરી. મારા માતા પિતાએ એક રોટલી ઓછી ખાઈને પણ અમારી ફી ભરી અને મને અહીં સુધી પહોંચાડી છે. ધર્મિષ્ઠાએ અન્ય માતા-પિતાને પણ સલાહ આપતા કહ્યું કે દીકરીઓને ઓછી ન સમજતા અને દયા ન ખાતા. તેઓ પણ આગળ વધી શકે છે. તેમને પ્રોત્સાહન આપતા રહો. ધર્મિષ્ઠાની ઈચ્છા છે કે તે ગરીબ વિદ્યાર્થીઓ માટે એક ટ્રસ્ટની રચના કરે જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા તેમના માટે તેઓ કંઈક કામ કરી બતાવે.

તો બીજી તરફ, દેશભરમાં ટોપ 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં અકશા મેમણએ ઓલ ઇન્ડિયા રેન્ક -7, શુભમ મખેચા – ઓલ ઇન્ડિયા રેન્ક -36, અને ધ્રુવાંગ શાહ – ઓલ ઇન્ડિયા રેન્ક -39 મેળવ્યો છે. તમામ વિદ્યાથીઓ જણાવ્યું હતું કે અથાગ અને સતત મહેનત કરી છે જેને કારણે તેઓ સારા માર્કસ લાવી શક્યા છે.

ઓવર ઓલ પરિણામની વાત કરવામાં આવે તો ચેરમેન સુનીલ સંઘવીએ જણાવ્યુ હતું કે CA ફાઈનલમાં બંને ગ્રુપનું પરિણામ અમદાવાદનું પરિણામ ગત વખત કરતા અંદાજિત 10% વધુ 20.22% આવ્યું છે. જ્યારે ભારતનું પરિણામ 19.88% છે. જ્યારે ઇન્ટરમિડીયેટની વાત કરવામાં આવે તો CA ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રૂપનું પરિણામ અમદાવાદ નું પરિણામ 16.22% છે જ્યારે ભારતનું પરિણામ 18.42% છે. અમદાવાદના સીએ ઇન્ટરમિડિયેટમાં બંને ગ્રુપમાં 1800 માંથી 292 પાસ થયા છે.