July 3, 2024

Ahmedabad સાયબર ક્રાઈમે Chinaથી ચાલતા ઠગાઇના નેટવર્કનો પર્દાફાશ કર્યો

મિહિર સોની, અમદાવાદ: રૂપિયા 800 થી 1000ની રોજના કમાવવાની લોભામણી લાલચ આપી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે. સાયબર ક્રાઇમે 3 આરોપીની આ મામલે ધરપકડ કરી છે. ચાઇનાથી ચાલતા આ ઠગાઇના નેટવર્કને લઈને સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે. ઠગાઈના નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી આરોપીઓ ઠગાઈ આચરતા હતા.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં આવેલી ત્રિપુટી ગેંગમાં આરોપી વિકાસ પટેલ, મિતીન સિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડીકેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા જુદા-જુદા ટેલીગ્રામ આઇડી ગ્રુપમાં લોકોને એડ કરીને એક વેબસાઇટની આઇડી બનાવી કંપની પ્રોડક્ટમાં ફાઈવ સ્ટાર રેટિંગનો ટાસ્ક આપી છેતરપિંડી આચરતા હતા. આ ટોળકી રોજના 800 થી 1000 રૂપિયા કમાવાની લાલચ આપીને લોકોને ટાર્ગેટ કરતા હતા. આ પ્રકારે અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદ અને બરોડાથી આ ત્રિપુટી ગેંગને ઝડપી છે.

આ પણ વાંચો: સ્મીમેર હોસ્પિટલ વિવાદ મામલે રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ, થાઈ ગર્લ બોલાવી હતી

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આ છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ મેરઠનો રિયાઝ નામનો શખ્સ છે. જે પકડાયેલ આરોપી વિકાસ પટેલ ઓલા ઉબેર ચલાવતો હતો ત્યારે એરપોર્ટ પરથી રિયાઝ નામનો મુસાફર સાથે મુલાકાત થઈ હતી. તેણે આ પ્રકારે ઓનલાઇન રેટિંગ ટાસ્ક માટે એકાઉન્ટ ખોલવાની વાત કરી હતી. ત્યાર બાદ મિતીન સિંહ રાઠોડ અને ડીકેશ પટેલ સાથે મિત્રતા કરાઇ હતી. જેમાં ત્રણેય આરોપી ભેગા મળી ડમી 8 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ એકાઉન્ટમાં ઠગાઈ કરેલા નાણાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. અને ત્યાર બાદ આ નાણાં ક્રિપ્તો કરન્સીમાં કન્વર્ટ કરાતા હતા. આ ટોળકીને બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્જેક્શન અને ક્રિપ્ટો કરન્સીમાં કનવર્ટ કરવાને લઈ અલગ અલગ કમિશન પણ મળતું હતું. જેમાં આર ટેકનોલોજી નામનું બોગસ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું જેમાં છેતરપિંડીનાં 1.59 કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાથે જ છેતરપિંડી કેસમાં એકાઉન્ટના ઉપયોગને લઈ 116 જેટલી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતમાં લાઈક રેટિંગના ટાસ્ક ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. આ ઠગાઈમાં ચાઇના કનેકશન સામે આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન ફ્રોડના નાણાં સીધા જ ક્રિપ્ટો કરન્સીથી ચાઇના પહોંચી રહ્યા છે. જેનું સમગ્ર મોનિટરિંગ હોંગકોંગ અને દુબઈથી ચાલી રહ્યું હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. મહત્વનું છે કે આ રીતની ઠગાઈ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સતત વધી રહ્યું છે. જેથી સાયબર ક્રાઈમ ટાસ્ક ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરી છે.