January 2, 2025

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે 50 લાખનો તોડ, આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી બનીને રૂપિયા 50 લાખનો તોડ કરનારા સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. એક વેપારીને ક્રાઇમ બ્રાન્ચમાં કેસ કરવાની ધમકી આપીને પૈસા પડાવ્યા છે. વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ કરતા આરોપી કોન્સ્ટેબલનો ભાંડો ફૂટ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ પટેલની ધરપકડ કરી છે. આરોપી આકાશ પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને એક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનાની વાત કરીએ તો આંબલી વિસ્તારમાં રહેતા આધેડ વેપારી મિહિર પરીખ શીલજના ઘરે હતા, ત્યારે આરોપી આકાશ પટેલ ક્રાઇમ બ્રાંચમાંથી આવ્યો હોવાની વેપારીને ઓળખ આપીને આઇકાર્ડ બતાવ્યું હતું.

સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ વેપારી પર ફોરેન કરન્સીનો કેસ થયો હોવાનું કહીને તેમને ઉઠાવી ગયો હતો. આરોપી આકાશે તેના બે સાગરિત પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સાત્વિક ઉર્ફે સ્વાતિક સાથે મળીને વેપારીને ફસાવી દેવાની ધમકી આપીને પતાવટ માટે મોટા સાહેબના નામે પાંચ કરોડની માગણી કરી હતી. 27મી રાત્રિએ વેપારીની ગાડીમાં બેસાડીને તેના પતાવટના નામે આકાશ પટેલે વેપારી પાસેથી 50 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવ્યા હતા.

વેપારીને ધમકાવ્યા કે 10થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે, તેવું કહીને કેસના પતાવટની વાત કરીને પૈસા પડાવ્યા હતા. બાદમાં વેપારીએ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી હોવાનું સામે આવ્યું હતું. તેને લઇને વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બળજબરીપૂર્વક 50 લાખ પડાવનારા સસ્પેન્ડેડ પોલીસકર્મી આકાશ પટેલની ધરપકડ કરી છે. જ્યારે ફરાર બે લોકોને શોધવા કવાયત હાથ ધરી છે.

પકડાયેલો આરોપી સસ્પેન્ડેડ આકાશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ સોલામાં ગુનો નોંધાતા સસ્પેન્ડ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારી સંજય પટેલ ઓફિસના પાર્કિગમાં બેઠા હતા. ત્યારે પોલીસકર્મી આકાશ પટેલ તેના બે સાગરીતો સાથે ક્રાઇમ બ્રાંચનો અધિકારી બનીને પહોંચ્યો હતો. આરોપીઓએ સંજયભાઇને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ લઈ જવાના નામે અપહરણ કર્યુ હતું. બાદમાં સરખેજ બાજુ લઈ જઈને બંદૂકની અણીએ 70 લાખની ખંડણી માંગી હતી. અંતે 55 લાખમાં આંગડિયું કરાવી પૈસા લઈ લીધા હતા.

આ મામલે સોલા પોલીસે પોલીસકર્મી આકાશ પટેલ સહિતના ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ તમામની ધરપકડ કરી હતી અને આરોપી આકાશ પટેલ 8 મહિના જેલમાં રહ્યો હતો. જેને લઇને આકાશ પટેલ સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ થયો હતો. આરોપી આકાશ સાથેના બે સાગરિત વોન્ટેડ આરોપી પૃથ્વીસિંહ ધોળકામાં ગુજરાત ગેસમાં નોકરી કરે છે અને સાત્વીક કેબ ડ્રાઇવર છે. હાલ બંનેને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

આરોપી આકાશ પટેલને સટ્ટામાં દેવું થઈ ગયું છે. આ સાથે જ તેણે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા છે. જેથી આરોપીએ 50 લાખ મળ્યા બાદ ઉધારી ચૂકવી હતી. આ સાથે જ તેણે તેના બંને સાગરિતોને એક એક લાખ આપવાનું કહીને એક પણ પૈસા આપ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આ તોડબાજ આકાશ પટેલ અન્ય કોઈને ટાર્ગેટ કરીને પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.