January 8, 2025

અમદાવાદમાં સોનાના દાગીના ચોરતી ટોળકી ઝડપાઈ, મહિલા સહિત ત્રણની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં જ 9 જેટલા ગુનાને અંજામ આપી ટોળકીએ અમદાવાદ છોડી દીધું હતું. પરંતુ વધુ ગુનાને અંજામ આપવા આવતા ટોળકી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા માલિક સલમાન ખાન પઠાણ તથા તેના બે સહઆરોપી વિક્રમ દંતાણી અને આશા ઉર્ફે જાનુ દેવીપૂજકની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 8 લાખથી વધુ કિંમતની સોનાની બંગડીઓ તથા દાગીના સાથે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે ચોરીના નવ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ છેલ્લા બે મહિનામાં વહેલી સવારે અમદાવાદ આવી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને રિક્ષામાં બેસાડતા અને વિક્રમ તથા આશા મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસી કટર વડે દાગીના કાપી ચોરી કરતા હતા.

પકડાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ મહેમદાવાદથી રીક્ષા લઈ અમદાવાદ આવતા અને અમદાવાદમાં પ્રવેશતા પહેલા રીક્ષાની નંબર પ્લેટ કાઢી ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓએ છેલ્લા બે મહિનામાં નવ ગુના અમદાવાદ શહેરના રાણીપ, વાસણા, વાડજ, નારણપુરા, ઘાટલોડીયા, વેજલપુર અને મણીનગર વિસ્તારમાં આવતા હતા. જો કે, આરોપીઓ વધુ એક ગુનાને અંજામ આપવા અમદાવાદ શહેરની હદમાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા તમામ આરોપીઓ આ જ પ્રકારના ગુનામાં અગાઉ ઝડપાયેલા છે. છૂટક મજૂરી કરતા આરોપીઓને ઝડપથી વધુ રૂપિયા મળતા હોવાથી જેલમાંથી છૂટી ફરી એ જ ચોરીના રવાડે ચડ્યા હતા.

રિક્ષામાં બેસાડી દાગીના ચોરી કરતી આ ટોળકીના તમામ આરોપીઓની એક ખાસ આવડત હતી. જેમાં આરોપી સલમાન ઓછી અવરજવર વાળા રસ્તા પસંદ કરતો અને ત્યાં રીક્ષા ચલાવતો હતો. આશા દેવીપૂજક કટર વડે દાગીના કાપી છુપાવી દેતી હતી. તો આરોપી વિક્રમ દંતાણી ભોગ બનનારાને વાતોમાં રાખી તેનું ધ્યાન ભટકાવતો અને ચોરીને અંજામ આપી ગણતરીને મિનિટોમાં જ અમદાવાદ છોડી મહેમદાવાદ ભાગી જતા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી એ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.