November 22, 2024

ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં મોટો ખુલાસો, છોકરીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી

અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે ખોટી ઓળખ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતા કેસ શોધી કાઢ્યા હતા અને ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફારુક મંડલ અને અન્ય લોકો વિરુદ્ધ CR નં.11191011240200/2024 IPC કલમ 465, 467, 468 સાથે FIR નોંધવામાં આવી હતી. કારણ કે તેમણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ કેસમાં બનાવટી દસ્તાવેજો બનાવવાની સુવિધા આપનારા આરોપી અને સહઆરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. 200થી વધુ શંકાસ્પદ બનાવટી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સગીર છોકરીઓની માનવ તસ્કરી કરી વેશ્યાવૃત્તિમાં તેમને ધકેલવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે પણ પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચની ટીમોએ શંકાસ્પદ સ્થાન પર દરોડા પાડ્યા હતા. જ્યાં સગીર છોકરીઓને રાખવામાં આવી હતી. ત્યાંથી છોકરીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આવી 100થી વધુ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે, જેમને પ્રથમ દૃષ્ટિએ વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમના મૂળ દેશમાં પૈસા મોકલવામાં આવ્યા હતા. નાણાકીય વ્યવહારોની વિગતો અને ગુનાઓની આવકનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ઉપરોક્ત બે ગુનાઓની તપાસ અને અન્ય કેટલાક ઈનપુટ્સના આધારે અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા 48 શંકાસ્પદ ગેરકાયદેસર વસાહતીઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આશરે 150 શંકાસ્પદ લોકોની પૂછપરછ અને ચકાસણી કરવામાં આવી રહી છે.