December 25, 2024

નશાના કારોબારનો પર્દાફાશ, 1.25 કરોડનો વિદેશી હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. અવારનવાર દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતું હોય છે. ત્યારે વધુ એકવાર ગુજરાતમાંથી નશાનો ઇન્ટરનેશનલ કારોબારનો પર્દાફાશ થયો છે.

મળતી માહિતી પ્રમાણે, નવી મોડસ ઓપરેન્ડીથી નશાનો સામાન મોકલવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્તમાં આ ઓપરેશન હાથ ધર્યું હતું અને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો હતો.

પ્રાથમિક તપાસ દરમિયાન ચોકલેટ, ડ્રેસ, લંચ બોક્સ અને કેન્ડીની આડમાં નશાનો કારોબાર કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે વિદેશમાંથી આવતો હાઇબ્રીડ ગાંજો પકડી પાડવામાં આવ્યો છે.અંદાજે 1.25 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો પકડી પાડવામાં આવ્યો છે.

આ પેકેટ્સ કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડથી મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે નશાના સોદાગરોની તપાસ આદરી છે. આ ઉપરાંત હાલ બે આરોપીની અટકાયત કરવામાં આવી છે.