July 4, 2024

રાજસ્થાનના ધારાસભ્યને ધમકી આપનાર શખ્સની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સ કેશારામ ઉર્ફે કે.ડી જાટની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર રેલવે સ્ટેશન પરથી ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લીધી છે.

રવિન્દ્રસિંહ ભાટી રાજસ્થાનની શિવ વિધાનસભામાં ધારાસભ્ય છે અને તેમને કેશારામ ઉર્ફે કે.ડી જાટ નામના શખ્સે ધમકી આપી હતી. જેને લઈને ધારાસભ્ય દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેશારામે ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી હતી.

મહત્વનું છે કે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપી કેશારામ લુંટના ગુનામાં પણ ભાગતો ફરતો હતો. તો જ્યારે તેની ધરપકડ કરવામાં આઈ ત્યારે તેની પાસેથી પિસ્ટલ અને 10 કારતૂસ પણ મળી આવ્યા હતા. આરોપીએ મધ્ય પ્રદેશથી પીસ્ટલ અને 10 કારતૂસ ખરીદ્યા હતા. પીસ્ટલ ચેક કરવા માટે તેણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પીસ્ટલ અને કારતૂસ પોતાની બાઇકમાં ચોરખાનું બનાવી સંતાડી હતી. તો, આરોપીનું બાઈક રાજસ્થાનના ગીડા ખાતે કબ્જે લેવામાં આવ્યું હતું. આરોપીએ બાઈકમાં પીસ્ટલ સંતાડી હોવાની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી છે.