તહેવાર પહેલાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા; 8 હથિયાર, 29 કારતૂસ સાથે 4ની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે તહેવાર પહેલાં જ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 8 હથિયાર અને 29 કારતૂસ સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, બે આરોપીઓ લૂંટ-ચોરીના ગંભીર ગુનામાં ફરાર હતા. ત્યારે આરોપી મધ્ય પ્રદેશથી હથિયાર લાવવી વેચતા હોવાનો ખુલાસો થયો છે.
રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોના જથ્થા સાથે ચાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટના ગુના નોંધી 8 પિસ્તોલ અને 39 કારતૂસ કબજે કર્યા છે. જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કેકે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તોલ અને 24 કારતૂસ કબજે કરી છે. તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જેકે લુહાર પાસેથી બે પિસ્તોલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે. અમદાવાદના સરખેજના આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તોલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે. ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનારા મધ્ય પ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે. તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્ય પ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડ લઈ તપાસ શરૂ કરી છે.
હથિયાર સાથે પકડાયેલા આરોપીના ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા આરોપી કિશોર ઉર્ફે કેકે અમદાવાદ અને બનાસકાંઠાના ચાર ગુનામાં ફરાર હતો. જેમાં લૂંટ, ચોરી, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. આરોપી કિશોર ઉપર 12થી વધુ ગુના અમદાવાદ, બરોડા, બનાસકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. તો અન્ય આરોપી વિક્રમ માળી વિરુદ્ધ બનાસકાંઠામાં 5 જેટલા ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં હતા. ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી હથિયારની હેરાફેરીનું નેટવર્ક શરૂ કર્યું હતું. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઢગલાબંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી મધ્ય પ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખૂણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઈ તપાસ કરી રહ્યા છે.
આરોપીઓએ લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે અને આરોપી પાસેથી હથિયારનો જથ્થો મળી આવતા કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.