કોંગ્રેસના અધિવેશનનો બીજો દિવસ, ખડગે બોલ્યા – અમદાવાદ અમારા માટે તીર્થસ્થાન

અમદાવાદઃ કોંગ્રેસના અધિવેશનનો આજે બીજો દિવસ છે. ત્યારે CWCની બેઠકમાં દેશ અને ગુજરાતના પ્રશ્નોને લઈ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ સામે લડવા રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ સિવાય કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરી હતી.

અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં બદલાવ આવશે. જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવામાં આવશે. સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. પદયાત્રા, ડોર ટુ ડોર સંપર્ક અને જનસંપર્ક યાત્રાઓ કરી લોકો સુધી કોંગ્રેસ પહોંચશે.

કોંગ્રેસ અધિવેશનની પ્રારંભિક સ્પીચમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે, કેટલાક લોકો લાલચમાં પક્ષ છોડીને ગયા છે. કોંગ્રેસનો કાર્યકર મજબૂતી સાથે કોંગ્રેસની સાથે રહ્યા અને વેચાયા નહીં. મહાત્મા ગાંધી હરિજન અખબારમાં લેખ લખતા હતા. ગાંધીજીએ લેખમાં લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીને મરવા ન દેવી જોઈએ. કોંગ્રેસ ત્યારે જ મરશે જ્યારે દેશ મરશે.

તો રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં 86 અધિવેશન થયા. જેમાં ગુજરાતમાં 6 અધિવેશન થયા. અમદાવાદ અમારા માટે તીર્થ સ્થાન જેવું છે. ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક સહિત કોંગ્રેસ સાથે જોડાયેલી યાદો અમદાવાદમાં છે. ગાંધીજીએ દેશ જ નહીં સમગ્ર દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. કોંગ્રેસના નિર્માણમાં ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. ગાંધીજી, સરદાર પટેલ અને દાદાભાઈ નવરોજીએ કોંગ્રેસ અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ત્યારે અહીં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તે પ્રેરણા ભૂમિ છે. 15 જૂન 1986માં ગાંધીજીએ કહ્યું હતું કે, હિંદુ-મુસલમાન હોય કે અન્ય કોંગ્રેસ માટે બધા સમાન છે. બધાને બરાબરીની જગ્યા પર લાવીને ઉભા રાખવા. આજ ગરીબ ગરીબ થઈ રહ્યો છે. અમીર અમીર થઈ રહ્યો છે. આર્થિક અસમાનતા વધી રહી છે. આપણે એક થઈને લડવું જોઈએ. છેલ્લા 11 વર્ષથી ભાજપ સંવિધાન પર હુમલા કરી રહ્યો છે. તેને રોકવા માટે અમે કંઈપણ કરવા તૈયાર છીએ.

વધુમાં તેઓ કહે છે કે, સંસદના સત્રમાં મનમાની કરી સત્ર ચલાવ્યું છે. રાહુલ ગાંધીને બોલવા દેવામાં ના આવ્યા, આ લોકશાહી માટે શરમજનક વાત છે. વિપક્ષના અવાજને દબાવવામાં આવે છે. આજની સરકાર કઈ માનસિકતા ચાલી રહી છે એ સમજાતું નથી. આવું પહેલા ક્યારેય નથી થયું. સરકાર સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરે છે. મણિપુર હિંસા અંગે સરકાર મૌન છે, સરકાર છુપાવી તેની નિષ્ફળતાઓને દબાવાનો પ્રયાસ કરી રહી છે. રાતે 5 વાગ્યે બિલ લાવવામાં આવે છે. લોકતંત્રને ધીરે ધીરે ખતમ કરવામાં આવી રહ્યું છે.