અમદાવાદમાં CNCD વિભાગ માલધારીઓને હેરાન કરવાનો કોર્પોરેટરનો આક્ષેપ, મ્યુ. કમિશનરે કહ્યું – ઢોરને કારણે જાનમાલને નુકસાન

અમદાવાદઃ શહેરમાં ઢોરવાળા સામે એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ઢોરવાળા સામે CNCD વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા એક સપ્તાહથી CNCD વિભાગ આ અંગે ડ્રાઇવ ચલાવી રહ્યું છે.

ત્યારે આ મામલે સામાન્ય સભામાં CNCD વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા હતા. લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. CNCD વિભાગ માલધારીઓને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત માલધારીઓના જૂનાં વાડા તોડવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યુ હતુ કે, માલધારીઓના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. ખેતર અને વાડામાં રહેલા ઢોર પણ CNCD વિભાગ ઉપાડી જાય છે. ગઈકાલે CNCD વિભાગે ગેરકાયદે 59 વાડા તોડી પાડ્યાં છે, 21 પાણી કનેક્શન અને 9 ડ્રેનેજ કનેક્શન કાપ્યા હતા. 34 પશુઓ પકડવામાં આવ્યા હતા. માલધારીઓને ઘરમાં ઘૂસી હેરાન કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપતા કહ્યુ છે કે, રખડતા ઢોરને કારણે જાનમાલને નુકસાન થાય છે. કોર્પોરેશનની જગ્યામાં દબાણ કરી ઢોર રાખવામાં આવે છે. દબાણ કરી રાખવામાં આવતા ઢોર મામલે કાર્યવાહી કરવામાં આવી છે.