November 5, 2024

નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે અમદાવાદ શહેર પોલીસની ગાઈડલાઇન જાહેર

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં યોજાનાર નવરાત્રિ મહોત્સવને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ સૂચનો જાહેર કરાયા છે. ખાસ કરીને શહેરનાં એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતા કોમર્શિયલ ગરબાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે, જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે.

નવરાત્રી આડે એક દિવસ બાકી હોવા છતાં કોઈ પણ પાર્ટી નાં આયોજકોને પરમિશન આપી નથી. શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે શી ટીમ પણ કાર્યરત રહેશે.

સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે. સીસીટીવી કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. મહિલાઓ માટે મહિલા સ્વંયસેવકો રાખવા પડશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 12 વાગે સુધી જ રહેશે. તેવામાં અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.