અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘બંધારણ બચાવો પદયાત્રા’ યોજાઈ

અમદાવાદ: શહેર કોંગ્રેસ સમિતિ અને સામૂહિક નગરયાત્રા સમિતી દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ‘બંધારણ બચાવો પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સરસપુરથી સારંગપુર સર્કલ સુધી આ પદયાત્રા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ દાઉદી વ્હોરા સમાજ, શીખ સમાજ, મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
પદયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, સામે ગોડસેને ગોળી મારીને ખતમ કરનાર વિચારધારા છે. બાબાસાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ RSS કરી રહી છે. લોકોને મૂર્ખ બનાવી દેશની ધર્મપ્રેમી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બાબાસાહેબે આપેલા બંધારણથી આપણને અધિકારો મળ્યા છે. સમાજના કોઈપણ વર્ગને અન્યાય ના થાય તેવું બંધારણ આપ્યું છે. BJP ઇતિહાસને બદલવા માગે છે.
કોંગેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે, મનુવાદી વિચારધારનું શાસન ચાલે છે. આજે બંધારણ બચાવવાની ચિંતા કરવાનો દિવસ આવ્યો છે. સત્તામાં બેઠેલા લોકો બંધારણે આપેલા અધિકારો છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ઉત્તમ બંધારણ આંબેડકરે આપ્યું છે. BJPએ દેશના ઇતિહાસને વાંચવો જોઈએ. બાબાસાહેબે કહ્યું હતું કે બંધારણ બન્યું તેનો શ્રેય હું કોંગ્રેસને આપું છું. બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ BJP દરરોજ બંધારણને તોડવાનું કામ કરે છે. પાટીદાર આંદોલન વખતે ગુનાઓ દાખલ થયા તો BJPમાં જોડાયા અને કેસો પરત ખેંચાયા. કાયદો તમામ માટે સરખો હોવો જોઈએ. BJP દરરોજ બંધારણને તોડવાનું કામ કરે છે.