BZ ગ્રુપના આરોપી ભૂપેન્દ્રસિંહની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, વાંચો તમામ માહિતી
અમદાવાદઃ BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. મહત્વનું છે કે, આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, રોકાણકારોની વિગતો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ BZTRADE.inના ડેટા મેળવતા BZ GROUPમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.
તેમજ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં તારીખ 27/11/2024ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખીમાં પહોંચીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ રાજસ્થાન આશરે 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જિલ્લાના દવાડા ગામમાં ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હતો.
તેમજ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે તેના જુના 4 મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદ કરી તેમાં નવા 3 સીમકાર્ડ મેળવી જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરેલ હોવાની માહિતી મળી આવી છે. તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUPના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે. તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICESની કુલ 17 શાખાઓ મળી છે.
તેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમંતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડભ્રમ્હા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી અને તેના મારફતે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાની માહિતી મળી આવી છે.
તેમજ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આશરે 17થી 18 મિલ્કતો વસાવેલી હોવાની વિગત રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે. આમ ઉપરોક્ત ગુનાના કામે આજદિન સુધી કુલ-8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુનાના આરોપીઓ અને તેમના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલા એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.