December 26, 2024

રીક્ષા અડી જતા છરી-પાઇપો વહે હુમલો કરી વૃદ્ધની હત્યા, સગીર સહિત 7ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ચાંગોદરના મોડાસર ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. રીક્ષા પાર્ક કરતા અડી જતા છરી અને પાઇપોથી હુમલો કરીને વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મહિલા અને સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગોવિંદ રાવળ પત્ની રેશમબેન રાવળ અને પુત્ર વિષ્ણુ રાવળ, તેમજ ભાઈ ધમા રાવળ, ભત્રીજો વિક્રમ રાવળ અને પૌત્ર વિશાલ રાવળની જીલુભાઈ રાવળની હત્યા કેસમાં ચાંગોદર પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટનાની વાત કરીએ તો ચાંગોદરમાં આવેલા મોડાસર ગામના રાવળ વાસમાં મૃતક જીલુભાઈનો પુત્ર ભરત રીક્ષા પાર્ક કરી રહ્યો હતો. ત્યારે આરોપી વિષ્ણુ રાવળને રીક્ષા અડી જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓ છરી, પાઇપ અને લાકડીઓ લઈને ભરત પર હુમલો કર્યો હતો. દીકરા પર હુમલો થતા જોઈને જીલુભાઈ બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે તેમના પર આરોપીઓ છરીથી હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અશ્વિનભાઈ, સાગરભાઈ, સિવુબેન અને પ્રહ્લાદભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હત્યા કેસમાં પોલીસ તમામ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રીક્ષા ચલાવે છે અને મૃતકનો દીકરો પણ રીક્ષા ચલાવે છે. જેથી પાર્કિગને લઈને તેમને મનદુઃખ થતું હતું. તેઓ કુટુંબમાં સબંધીઓ છે. ગઈકાલે પણ રીક્ષા પાર્ક કરતા રીક્ષા અડી જવાની સામાન્ય બાબતે તેમની વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને હત્યા કરી દીધી હતી. આ ઝઘડો ફક્ત રીક્ષા અડી જવાનો છે કે અન્ય કોઈ અદાવત છે. જેથી પોલીસે બંને પક્ષના મિલકત કે અન્ય અદાવત છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓએ હત્યામાં ઉપયોગ કરેલા હથિયાર ક્યાં છુપાયા તેની તપાસ શરૂ કરી છે.

ચાંગોદર પોલીસે હત્યા કેસમાં સગીર સહિત 7ની ધરપકડ કરીને મેડીકલ તપાસ કરવામાં આવી છે. આ આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.