પ્રેમી સાથે મોજશોખ કરવા સગીર પ્રેમિકાએ ઘરમાંથી લોકર ચોર્યું, પ્રેમીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ પ્રેમી સાથે મોજશોખ કરવા માટે સગીરાએ પ્રેમી સાથે મળીને ઘરમાં ચોરી કરી છે. ઘરમાંથી આખું લોકર ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ત્યારે બોપલ પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે સગીરાના પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે આ મામલે આરોપી ઋતુરાજ ચાવડાની ધરપકડ કરી છે. આરોપીએ સગીર પ્રેમિકા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેલામાં આવેલી ક્લબ ઓ સેવન પાસે રહેતા 43 વર્ષીય ફરિયાદી ડી.જે ચલાવવાની ફર્મ ધરાવે છે. જેણે કિંમતી વસ્તુઓ, રોકડા અને દાગીના મૂકવા માટે રૂમના કબાટમાં એક લોકર રાખ્યું હતું. ગત સપ્ટેમ્બર માસમાં ફરિયાદી એક્ટિવાના કાગળો લોકરમાં મૂકવાના હોવાથી તેમણે કબાટ ખોલ્યું ત્યારે લોકર ગાયબ હતું.
આ સમયે ઘરમાં તપાસ કરતા લોકર મળી આવ્યું નહોતું. લોકરમાં પાસપોર્ટ, જરૂરી ડોક્યુમેન્ટ, બંદૂકનું લાયસન્સ, બાર બોર બંદુકના 22 જીવતા કારતુસ અને સોનાના દાગીના સહિત 1.57 લાખની મતા હતી. લોકરની ચોરી થઈ હોવાની શંકા દાખવીને તેમણે સોસાયટીના સીસીટીવી ફુટેજ તપાસ્યા ત્યારે સાવકી સગીર પુત્રી અને તેનો પ્રેમી ઋતુરાજ ચાવડા ચોરી કરીને જતા દેખાયા હતા.
ફરિયાદીએ આ મામલે બોપલ પોલીસને જાણ કરતા પોલીસે સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઋતુરાજ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સગીરાએ પ્રેમી સાથે મળીને તમામ રોકડ વાપરી નાખીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું.
આરોપી ઋતુરાજ મૂળ માણસાનો છે અને સેલ્સમેનની નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધોરણ 12માં ભણતી સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ ચાવડાની પૂછપરછ કરતા તે બંને બે વર્ષ પહેલા રિવરફ્રન્ટ ખાતે મળ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ઋતુરાજ ચાવડાએ ફરવા જવા માટે પૈસાની જરૂર હોવાનું કહેતા સગીરાએ તેના પિતાના લોકરની ચોરી કરવાનું કહીને ગુનાને અંજામ આપ્યો હતો. જો કે, લોકર લઈ જતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, ફરિયાદી યુવાને બીજા લગ્ન કરતા તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે તે રહેતા હતા. સપ્ટેમ્બર માસની આ ઘટનાને લઇને પિતા મામલો પતાવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ સાવકી પુત્રીએ ચોરી કરી હોવાની કબૂલાત ન કરતા આખરે પિતાને પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવા પડ્યા હતા. ઘરમાં જ સાવકી પુત્રીએ ચોરી કરતા આખરે પિતા અને સાવકી માતાને આ કારણથી અલગ રહેવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.