બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં લૂંટ, બંદૂકની અણીએ દાગીના લઈને ફરાર

મિહિર સોની, અમદાવાદઃ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટને અંજામ આપી પોલીસે સરેઆમ પડકાર ફેંક્યો છે. સાઉથ બોપલનાં મુખ્ય માર્ગ પર આવેલી જવેલર્સને લૂંટારૂએ ટાર્ગેટ બનાવી લૂંટને અંજમ આપ્યો છે.
બોપલના જિમખાના રોડ પર લૂંટનો બનાવ બન્યો છે. ધોળા દિવસે પોણા ચાર વાગ્યે કનકપુરા જવેલર્સને ચાર લૂંટારુઓ ટાર્ગેટ બનાવી બંદૂકની અણીએ જવેલર્સના માલિક ભરત સોની અને કર્મીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. પરંતુ લૂંટારૂ ફરાર થતાં જાણે પોલીસને તમાચો માર્યો હોય તેમ જાહેર રોડ હથિયાર સાથે લોકોને ડરાવી નાસી છૂટ્યા છે. ત્યારબાદ તબેલામાંથી ઘોડા નાસી છૂટ્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, સાઉથ બોપલમાં આવેલા શાલિગ્રામ પ્રાઈમ બિલ્ડિંગના 17 નંબરમાં કનકપુરા જવેલર્સ છેલ્લા સવા વર્ષથી છે.
લૂંટના બનાવ બાદ પોલીસે જવેલર્સમાં રહેલા સીસીટીવીની તપાસ કરતા ચાર લૂંટારૂઓ હેલ્મેટ અને મોઢા પર બુકાની બાંધી પ્રવેશ કર્યો હતો. જેમાં ત્રણ લૂંટારૂ જવેલર્સમાં ઘુસ્યા હતા. જેમાં બે લૂંટારૂ બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા અને એક લૂંટારૂ જવેલર્સની બહાર ઊભો હતો. જે લોકો અને પોલીસની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. લગભગ 7થી 8 મિનિટમાં જ્વેલર્સમાં રહેલો સોનાના દાગીના બેગમાં ભરી નાસી છૂટ્યા હતા. મહત્વનું છે કે, લૂંટારૂઓ જ્વેલર્સમાં લૂંટ કરવા ચાલતા આવ્યા હતા. જેથી પોલીસને શંકા છે કે, આરોપીએ પોતાના વાહન દૂર પાર્ક કરીને આવ્યા હતા અને ડોગ સ્ક્વોડથી તપાસ કરતા અંદાજિત 1 કિલોમીટર દૂર સુધી ડોગ સ્ક્વોડ પહોંચ્યું હતું ત્યાં એક હેમ્લેટ મળી આવ્યું હતું. જેની સ્મેલના આધારે તપાસ કરતા કોઈ વાહનમાં ભાગી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જો કે, લૂંટારુઓ પકડી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
લૂંટારૂઓ જવેલર્સમાં રહેલા કિંમતી દાગીના સાથે મોબાઈલ પણ લૂંટી ગયા છે. જેના નંબર ટ્રેસ કરીને આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે, પરંતુ સરાજાહેર બનેલી લૂંટની ઘટનાએ ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. સૌથી વધુ વિકસી રહેલા બોપલ વિસ્તારના નાગરિકોની સુરક્ષા કેટલી? તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.