બોપલ હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર સહિત સગીર પુત્રની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં બિલ્ડરપુત્ર બેફામ બન્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં સ્પીડના શોખમાં એક નિર્દોષનો ભોગ લેવાયો છે. મર્સિડિઝ કારની અડફેટમાં સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું છે. બોપલ પોલીસે અકસ્માત કરનારા બિલ્ડર અને તેના પુત્રની અટકાયત કરી છે.
અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રએ સ્પીડમાં મર્સિડિઝ ગાડી ચલાવીને હિટ એન્ડ રન કરીને ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું છે. આ ઘટનાની વાત કરીએ તો 14 સપ્ટેમ્બરના રોજ સાઉથ બોપલ રોડ પર સ્પીડમાં મર્સિડિઝ ગાડી લઈને બિલ્ડર મિલાપ શાહનો સગીર પુત્ર લઈને આવ્યો હતો. આ દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા ગોવિંદસિંઘ નામના સિક્યોરિટી ગાર્ડને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત સિક્યોરિટી ગાર્ડને હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંઘ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે તપાસ કરતા અકસ્માત કરનારી ગાડીના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ ફૂટેજની તપાસમાં કારના માલિક બિલ્ડર મિલાપ શાહનું નામ ખુલ્યું હતું અને હિટ એન્ડ રન કરનારા સગીરનું નામ સામે આવતા તેની અટકાયત કરીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત કરનારા બિલ્ડર બોપલ આંબલીનો રહેવાસી છે. તેમનો પુત્ર એક મિત્રની બર્થ ડેમાંથી ઘરે પરત જઈ રહ્યો હતો. આ ગાડી તેના પિતા મિલાપ શાહે જ આપી હતી. મિલાપનો પુત્ર 17 વર્ષ 8 મહિનાનો છે. સગીર હોવા છતાં દીકરાને ગાડી આપતા બિલ્ડર મિલાપ શાહની બેદરકારી તપાસમાં ખુલી છે. આ સગીરે અકસ્માત કરીને પિતાને જાણ કરી હતી. તેમ છતાં પિતાએ પોલીસને જાણ નહીં કરીને દીકરાને બચાવ્યો હતો. આ ગુનાહિત અને બેદરકારીભર્યું કૃત્ય કરતા બોપલ પોલીસે બિલ્ડર મિલાપ કુમાર શાહ વિરુદ્ધ પણ એમવી એક્ટ 199એ સેક્શન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીર રાંચરડા ઇન્ડસ કોલેજમાં બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસે કારની સ્પીડને લઈ FSL અને RTOની તપાસ કરવામાં આવી રહી છે.
સગીર વિરુદ્ધ કાર્યવાહી કરતા તેના ચેહરા પર કોઈ અફ્સોસ જોવા નથી મળી રહ્યો. ત્યારે અકસ્માતના બીજા દિવસે બિલ્ડર મિલાપ શાહના માણસો અકસ્માતની ગાડી બોપલ પોલીસને આપવા આવ્યા હતા. અકસ્માત કરનારા આરોપીને હાજર ન કરતા ગાડી લઈને પાછા જતા રહ્યા હતા. જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા.
મહત્વનું છે કે, હિટ એન્ડ રન કેસમાં સગીર કોઈ નશો કર્યો છે કે કેમ તેને લઈ પોલીસે લિકર અને ડ્રગ્સને લઈને મેડિકલ તપાસ કરવામાં આવી છે. બોપલ હિટ એન્ડ રન બાદ સોલામાં પણ હિટ એન્ડ રનની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં માતા-પિતા અને પુત્ર રોડ પર ચાલીને જતા હતા. ત્યારે એક કાર ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જેથી એ ડિવિઝન ટ્રાફિક પોલીસે પણ ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.