February 23, 2025

બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે મુંબઈના જ્વેલર્સની ધરપકડ, અન્ય બે ફરાર

મિહિર સોની, અમદાવાદઃ બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે પોલીસે મુંબઈથી જ્વેલર્સની ધરપકડ કરી છે. ગાડી વેચાણ આપી લોન ભરપાઈ ન કરી અને એક ગાડી ન આપી છેતરપિંડી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી મુંબઈથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. આ સાથે જ અન્ય ફરાર બે આરોપી કેનેડા હોવાનું સામે આવતા તેને લઈ વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

બોડકદેવ પોલીસે આ મામલે આરોપી રીષભ પાહુજાની ધરપકડ કરી છે. આરોપી રિષભે અમદાવાદના વેપારી ધ્રુવેશ પટેલને કાર વેચાણ આપી હતી, જેમાં લેન્ડ રોવર ડિફેન્ડર, રેન્જ રોવર વોગ અને બીએમડબ્લ્યુ વેચાણ આપી 3.97 કરોડ મેળવી લીધા હતા. આ રકમ મેળવ્યા બાદ ગાડીની લોન ભરપાઈ ન કરી તેની એનઓસી આપી ન હતી. આ ઉપરાંત વધુ એક ગાડી વેચાણ માટે બતાવી તેના પણ રુપિયા 95 લાખ મેળવી લીધા હતા. આ ગાડી પરત ન કરતા ફરિયાદ નોંધાઈ હતી. જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

બોડકદેવ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ કરતા રીષભની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ગુનામાં પ્રકાશ પાહુજા અને ચિરાગ પાહુજા ફરાર છે. જેની પોલીસે તપાસ કરતા તે બંને કેનેડા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓ મુંબઈમાં ત્રિકમદાસ જ્વેલર્સના નામે શો રુમ ધરાવતા હતા. જો કે, તે બંધ થઈ જતા આરોપીએ આ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપી વિરુદ્ધ મુંબઈમાં અન્ય 3 ગુના પણ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, આરોપી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો હોવાથી આરોપીએ આપેલી ગાડીઓ અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. આ સાથે જ આરોપીએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તથા ફરાર બે આરોપીની ધરપકડ માટે કાયદાકીય પ્રક્રિયા શરુ કરી છે.