November 22, 2024

અમદાવાદની ભવન્સ કોલેજમાં યોજાયા દિવ્યાંગ લોકોનાં ગરબા

મિહિર સોલંકી, અમદાવાદઃ નવરાત્રિના પાવન અવસર પર વિવિધ જગ્યાઓ પર વિવિધ રીતે લોકો ઉત્સવને મનાવતા જોવા મળતા હોય છે. ત્યારે વિકલાંગ અને દિવ્યાંગ લોકો માટે નવરાત્રી ઉજવવી માત્ર એક સપનું બની ગયું હોય તેવું લાગી રહ્યું હોય છે. ત્યારે ફા ઇન્ટરનેશનલ એનજીઓ દ્વારા છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગો અને વિકલાંગ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે…

અમદાવાદની ભવન્સ કોલેજ ખાતે ફા ઇન્ટરનેશનલ એનજીઓ દ્વારા વિકલાંગ અને દિવ્યાંગ લોકો માટે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાના આયોજનમાં 700થી 800 લોકોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની ચણિયાચોળીઓ અને વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસમાં વિકલાંગ ભાઈઓ અને બહેનો જોવા મળ્યા હતા. ગરબાના તાલે ઝૂમતા વિકલાંગ ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહભેર નવરાત્રી માણતા જોવા મળ્યા હતા. માત્ર અમદાવાદથી જ નહીં પરંતુ વિવિધ શહેરોના વિકલાંગ ભાઈઓ બહેનો આ નવરાત્રિમાં ભાગ લેવા આવ્યા હતા.

વિકલાંગ ભાઈઓ બહેનો માટે વ્હિલ ચેરથી લઈને ભોજનની થાળી સુધીની બધી જ સગવડ ત્યાંના વોલિન્ટિયર્સ દ્વારા કરવામાં આવી હતી. ગરબાની વિવિધ સ્ટાઈલ શીખીને આ ખેલૈયાઓ ઉત્સાહભેર તેમાં ભાગ લઈને વ્હિલ ચેર ઉપર બેસીને ગરબા રમતા જોવા મળ્યા હતા. અહીં કેટલાક પગથી અપંગ હાથથી અપંગ તો કેટલાક બોલી અને સાંભળી ન શકતા હોય તેવા ભાઈઓ બહેનો ગરબા રમતા જોવા મળ્યા હતા. કેટલાક ભાઈઓ બહેનો છેલ્લા 10-12 વર્ષથી આ ગરબામાં ભાગ લે છે અને મા આદ્યશક્તિની આરાધનામાં ઉત્સાહભેર ભાગ લેતા કરે છે.