અસારવામાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો વાયરલ, 4ની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ શહેરના અસારવામાં અસામાજિક તત્વોનો આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પોલીસે 4 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. આરોપીઓએ નાગરિકોની માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું છે.
પોલીસે આરોપીઓ વિશાલ ઉર્ફે રામ ઢુંઢીયા, સુરેશ ઉર્ફે કાંચો ભીલ અને સમીર ભીલની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ અસારવામાં તલવાર સાથે આતંક મચાવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો અસારવા બ્રિજ નીચે આવેલા ભીલવાસમાં કેટલાક આરોપીઓ તલવાર સાથે રોડ પર આતંક મચાવીને રોફ જમાવી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અસામાજિક તત્વોને લઈને પોલીસને મેસેજ મળતા જ શાહીબાગ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ તલવારો સાથે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ આરોપીઓ વિશાલ ઉર્ફે રામ ઢુંઢીયા, સુરેશ ઉર્ફે કાંચો ભીલ અને સમીર ભીલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અસારવા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા હથિયારો સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આ આરોપીમાં વિશાલ વિરુદ્ધ 12 ગુના નોંધાયા છે અને 2 વખત પાસા કરવામાં આવી હતી. સુરેશ ભીલ વિરુદ્ધ 9 ગુના નોંધાયા છે અને 4 પાસા કરવામાં આવી હતી. આરોપી સમીર વિરુદ્ધ 3 ગુના નોંધાયા છે અને 2 વખત પાસા કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ પર લઈ જઈને પંચનામું પણ કર્યું હતું અને તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.
બાપુનગર, રખિયાલ બાદ શાહીબાગમાં પણ અસામાજિક તત્વોને સબક શીખવાડવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.