આરોગ્ય વિભાગના અધિક સચિવ 30 લાખનો તોડ કરતા રંગેહાથ ઝડપાયા, ACBની કાર્યવાહી

અમદાવાદઃ એન્ટિકરપ્શન બ્યુરોએ આરોગ્ય વિભાગના અધિક સચિવને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અધિક સચિવે 30 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. તેમાંથી 15 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી હતી. જ્યારે બાકીની લાંચ આપતી વેળા ACBએ અધિક સચિવને રંગેહાથ ઝડપ્યા હતા.

ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવેલી હતી. તે દરમિયાન તેમના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરીયાદ આરોગ્ય કમિશનરને કરવામાં આવી હતી. જેથી ફરીયાદી તથા તેમના સાથી ડોકટરને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવી હતી.

આ દરમિયાન આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી બંને વિરુદ્ધ પ્રાથમિક તપાસની કાર્યવાહી કરવા માટે મિટિંગ માટે બોલાવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરમાં બંને ફરિયાદી આરોપીને રૂબરૂમાં મળ્યા હતા અને આરોપીએ 30 લાખની લાંચ માગી હતી. તેમાંથી 15 લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થયા પછી આપવાનો વાયદો કર્યો હતો.

લાંચની માંગણીની રકમઃ 30 લાખ
લાંચ સ્વીકારેલ રકમઃ- 15 લાખ
રીકવર કરેલ રકમઃ- 15 લાખ

આરોપીનાં નામ
1. દીનેશભાઇ પરમાર, અધિક સચિવ (તપાસ), વર્ગ-1, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
2. ગીરીશભાઇ જેઠાલાલ પારમાર (પ્રજાજન), નિવૃત્ત ડીન, સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા, અમદાવાદ