December 5, 2024

AMTSના ડ્રાઇવરો ઉડાડે છે ટ્રાફિક નિયમોનાં ધજાગરા, ટ્રાફિક પોલીસના આંખ આડા કાન!

મિહિર સોલંકી, અમદાવાદઃ શહેરમાં મોસ્ટ ફેમસ સવારી એટલે AMTS. જ્યારે સેફ્ટીની અને નિયમ પાળવાની વાત આવે ત્યારે મોટાભાગે AMTSના ડ્રાઇવરો સિટબેલ્ટ અને યુનિફોર્મ પહેર્યા વગરના સામે આવ્યા હતા. જ્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા સવાલ કરવામાં આવ્યા ત્યારે ડ્રાઇવરો દ્વારા જાતભાતના બહાનાઓ કાઢવા લાગ્યા હતા.

ન્યૂઝ કેપિટલની ટીમે AMTSનું રિયાલિટી ચેક કરતા મોટાભાગના ડ્રાઇવરો દ્વારા ચાલુ બસે સીટબેલ્ટ પહેરવામાં આવ્યો ન હતો. બીજી બાજુ એવો પણ વર્ગ હતો જેને સીટબેલ્ટની સાથે સાથે યુનિફોર્મ પણ સાઈડમાં કે ઘરે મૂકેલો હતો. ત્યારે સવાલ અહીં તેવા ઊભા થાય છે કે પોલીસ દ્વારા સામાન્ય લોકો જ્યારે નિયમ તોડતા હોય ત્યારે તેમની માટે ડ્રાઇવ ચાલુ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના મેમો બનાવવામાં આવે છે. પરંતુ સરકારી ગાડી હોય તો તેમના ડ્રાઇવરો બેલ્ટ પહેરે કે ના પહેરે તેમની માટે કોઈ નિયમ સામે આવતા નથી.

હાલમાં 933 બસમાંથી 320 જેટલી બસ ડબલ શિફ્ટમાં કામ કરે છે અને આજ મુદ્દે જ્યારે AMTS ચેરમેન સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે AMTSની બસ ચાલી રહી છે તે પ્રાઇવેટ એજન્સી દ્વારા ચાલી રહી છે. જેમાં ડ્રાઈવર અને કંડક્ટર તેમના હોય છે. જેમાં નક્કી કરેલું છે કે સિટબેલ્ટ અને યુનિફોર્મ કમ્પલસરી છે, છતાં પણ કોઈ ક્ષતિ હોય તો તેમની માટે સિટબેલ્ટ ન પહેરવાના 500 અને યુનિફોર્મ ન પહેરવાના 500 રૂપિયા દંડ લેવામાં આવે છે અને જો બન્ને વસ્તુમાં પકડાયા તો 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે.

આ તમામ કામ કરવા માટે એક ટીમ રાખવામાં આવી છે, તે તમામ વસ્તુ જેમ કે ગાડીમાં સફાઈ, સિટબેલ્ટ, યુનિફોર્મ વગેરેનું નિરિક્ષણ કરતા હોય છે. આવી અલગ અલગ વિસ્તારમાં ચાર ટીમો છે, જ્યારે પણ ડ્રાઇવર સીટ પર બેસે તરત જ તેમને યુનિફોર્મ આપી દેવામાં આવે છે. એટલે સવાલ અહીં એ છે કે, સામાન્ય જનતા નહીં પરંતુ સરકારી કર્મચારીઓ પણ પોતાના નિયમો પાળે.