November 22, 2024

Ahmedabadમાં ઝડપાયેલા આતંકવાદી મામલે Sri Lanka પોલીસે 2 શંકાસ્પદની અટકાયત કરી

અમદાવાદઃ તાજેતરમાં એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ત્યારે આ મામલે શ્રીલંકા પોલીસે વધુ બે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. શ્રીલંકા પોલીસે 2 શકમંદની પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, શ્રીલંકાના માલિગાવાટ્ટા અને કોલંબોથી અટકાયત કરવામાં આવી છે. આમિર નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત બાદ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આમિરનું અમદાવાદમાં પકડેલા ISના 4 આતંકીઓ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. શ્રીલંકામાં પકડેલા શકમંદમાં એક નેગોમ્બોનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. અન્ય શકમંદો કોલંબો અને તેની આસપાસના રહેવાસી છે.

આ પણ વાંચોઃ સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે આક્રોશ, મોટી સંખ્યામાં લોકોનો વિરોધ

ગુજરાત ATSએ આતંકીઓના બેંકની માહિતી અને મોબાઈલની તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, શ્રીલંકા સરકાર દ્વારા ISના 4 આતંકીઓની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત ATS અને શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આતંકીઓના કનેક્શન અને પાકિસ્તાન હેન્ડલરને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા હતા
ગુજરાતમાં ફરી આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ગુજરાત ATSએ ઇસ્લામિક સ્ટેટ આતંકી સંગઠનના 4 આતંકીઓને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યા હતા. સ્યૂસાઇડ બોમ્બર એવા આતંકીઓ શ્રીલંકાથી અમદાવાદ આવ્યા હતા. પાકિસ્તાની હેન્ડલરના ઈશારે આતંકી કૃત્ય કરવાનું ષડયંત્ર હતું. આતંકવાદીઓ ષડયંત્રને અંજામ આપે તે પહેલાં જ ગુજરાત ATSએ ઝડપી લીધા હતા. આતંકી મોહમ્મદ નુસરથ અહેમદ ગની, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રસદીન નામના આતંકીઓ મૂળ શ્રીલંકાના રહેવાસીઓ છે.

ગુજરાત ATSએ તપાસ હાથ ધરી હતી
ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો હતો કે, આતંકી મોહમ્મદ નુશરથ પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીના સંપર્કમાં હતો અને પાકિસ્તાની હેન્ડલરની સૂચનાને આધારે આતંકી પ્રવૃતિ કરી રહ્યા હતા. આ ચારેય આતંકીઓ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૈહીથ જમાતના સભ્યો હતા. જેને શ્રીલંકા સરકારે 2019માં પ્રતિબધિત જાહેર કરી હતી અને ત્યારબાદ આ આતંકીઓ અબુના સંપર્ક આવ્યા હતા અને તેની પ્રેરણાથી આતંકી સંગઠન ISના સભ્ય બન્યા હતા. તેમણે શપથ લઈને આતંકી પ્રવૃત્તિ કરવા અને સ્યુસાઇડ બોમ્બર તરીકે જેહાદી કૃત્ય કરવાની તૈયારી બતાવી હતી. જેથી પાકિસ્તાન હેન્ડલર અબુએ 4 લાખની શ્રીલંકન કરન્સી આતંકીઓને આપી હતી. ત્યારબાદ અબુની સૂચનાથી આતંકીઓ ચેન્નઇ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પરથી આતંકીઓને અબુ દ્વારા હથિયાર મેળવવા ફોટો અને લોકેશન મોબાઈલના પ્રોટોલ મેઈલમાં મોકલ્યા હતા.

શંકાસ્પદ ફોટા સાથે નાના ચિલોડાનું લોકેશન મળ્યું
ગુજરાત ATSએ જ્યારે પ્રોટોલ ડ્રાઈવ તપાસ કરી તો 5 શંકાસ્પદ ફોટો મળ્યા હતા. આ ફોટોગ્રાફમાં એક પાણીની કેનાલ, મોટા પથ્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરમાં પાર્સલમાં રાખેલી વસ્તુ, બ્રાઉન સેલોટેપ વીંટાયેલા ગુલાબી કલરનું પાર્સલનું લોકેશન મળ્યું હતું. તેના આધારે ATS તપાસ કરતા ચિલોડા નજીક નર્મદા કેનાલ પાસેના સ્થળે પહોંચી હતી અને ફોટોમાં જોવા મળતા લોકેશનથી પાકિસ્તાન મેઇડ 3 પિસ્તોલ અને 3 લોડેડ મેગેઝિન મળી આવ્યા હતા. આ હથિયાર પાકિસ્તાનથી બનાવેલા હતા. તેના પર સ્ટારનું સાઈન પણ મળ્યું હતું. આ સાથે FATA લખેલી 20 કારતૂસ પણ કબ્જે કરી હતી. આ ઉપરાંત અરબી ભાષાનું લખાણ સાથેનું ઇસ્લામિક ફ્લેગ મળ્યું હતું.