May 20, 2024

અમદાવાદ: ગાડીનાં હપ્તા ભરવા મિત્ર સાથે મળી ચોરી કરનાર આરોપી ઝડપાયા

મિહિર સોની, અમદાવાદ: રાજ્યમાં અનેક વખત ચોરી, લૂંટફાટ તેમજ મારામારીના બનાવની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલ એક આવી જ ઘટના સામે આવી છે. ગાડીનાં હપ્તા ભરવા માટે મિત્ર સાથે મળી ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. સિનિયર સિટીઝન મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરી આરોપી ફરાર થઇ ગયા. જોકે પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોણ છે આરોપીઓ અને કેવી રીતે ચોરીને આપ્યો અંજામ જાણો અહીં..

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા છે. આ આરોપીએ એક અઠવાડિયા પહેલાં બોપલ આંબલી રોડ પર નિવૃત્ત વૃદ્ધ દંપતીનાં બંગલામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી. જે મામલે સરખેજ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ચોરીના મુદ્દામાલ સાથે જમાલપુર નજીક પસાર થઈ રહ્યા છે. જેની માહિતીના આધારે પોલીસે બે આરોપીને ઝડપીને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ચોરી કરવાનો અનુભવ છે. આરોપીને પૈસાની જરૂર હતી તેમજ તેનો મિત્ર અનિલ વાઘેલાએ નવી ઇકો ગાડી લોન પર લીધી હતી અને લોન નાં હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હતી જેથી બંને અમદાવાદ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ત્રીજી એપ્રિલના રોજ બપોરના સમયે બન્ને આરોપી ઇકો ગાડી લઈને ચોરી કરવા માટે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવ્યા હતા. બોપલ બ્રિજ નીચે ગાડી પાર્ક કરીને બન્ને આરોપી બ્રિજ નજીક રેકી કરી હતી. જે બાદ એક રાત્રી ઇકો ગાડી સૂઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રે બોપલ આંબલી રોડ પાસે એક બંગલાને ટાર્ગેટ કર્યો હતો. જેમાં લોખંડ ખાતરીયા સાથે બંગલા પ્રવેશ કર્યો મુખ્ય દરવાજા લોક તોડીને સોના ચાંદી દાગીના અને રોકડની ચોરી કરી ઇકો ગાડીમાં નાસી છૂટયા હતા. એક અઠવાડિયા બાદ ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ ગયા.

પકડાયેલ આરોપી સુરેશ ઉર્ફે સુકો મકવાણા વિરુદ્ધ અમદાવાદ ,ભાવનગર , વડોદરા અને બોટાદમાં ચોરીના 5 ગુના નોંધાયા છે. જ્યારે આરોપી અનિલ વિરુદ્ધ ભાવનગરમાં પ્રોહિબિશન ગુનો નોંધાયો છે. બન્ને આરોપી અત્યાર સુધી કેટલી ઘરફોડ ચોરીમાં ગુનાને અંજામ આપ્યો છે જે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..