December 28, 2024

અમદાવાદ: સરકારી ભરતીના નામે બેરોજગાર યુવકોને ઠગતી ટોળકી ઝડપાઈ

મિહિર સોની, અમદાવાદ: સરકારી ભરતી જેવી જ બનાવટી ભરતીની જાહેરાત આપી યુવકો સાથે ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઈ છે. ગુજરાત સહિત દેશના સાત રાજ્યોમાં ચાલતા કૌભાંડનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવનાર ટોળકી એ છેલ્લા સાત વર્ષમાં 25,000 કરતાં વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે

સ્વાસ્થ્ય ગ્રામ્ય વિકાસ અધિકારી, સહાયક અને કાર્યકર્તાની અલગ-અલગ પગારની ભરતી માટેની જાહેરાત આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી અકરમ તુર્ક, મનોજકુમાર શર્મા અને શિવશંકર અવસ્થીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થા, ન્યુ દિલ્હીના નામથી અલગ-અલગ ન્યુઝ પેપરોમાં જાહેરાત આપી ભરતી પ્રક્રિયાની માહિતી અને વેબસાઈટ જાહેર કરતા હતા. જેમાં બેરોજગાર યુવક-યુવતીઓ ફોર્મ ભરવા માટે રૂપિયા 2500 જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી ફોર્મ ભરતા હતા. જે રકમ મેળવી ત્રણેય આરોપીઓ છેતરપિંડી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરી છે. સાથે જ પાંચ મોબાઇલ અને એક લેપટોપ કબજે કર્યું છે. સાથે જ સંખ્યાબંધ વ્યક્તિઓનો ડેટા પણ મળી આવ્યો છે. જેને લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે અકરમ આ ગેંગનો મુખ્ય આરોપી છે. તો મનોજ શર્મા એ લોકો સાથે છેતરપિંડી કરવા બનાવટી વેબસાઈટ બનાવી હતી. સાથે જ છેલ્લા સાત વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ કરતા આવ્યા છે. જેમાં ગુજરાતના 4,000 જેટલા લોકો મળી કુલ 25,000 કરતાં વધુ લોકો સાથે આ ઠગાઈ કરવામાં આવી છે. આરોપીઓએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર,ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે. તો છત્તીસગઢમાં છેતરપિંડી માટે જાહેરાત આપી દેવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 9 જેટલા બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં કરોડ રૂપિયાના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આરોપીઓ તમામ મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ ડમી નામના વાપરતા હતા. જેથી પોલીસ તેમના સુધી ન પહોંચી શકે બીજી તરફ સામાન્ય રકમની છેતરપિંડી કરતા હતા. જેથી ભોગ બનનાર લોકો ફરિયાદ નોંધાવવાનું પણ ટાળતા હતા. જોકે સીઆઇડી ક્રાઈમને મળેલી એક અરજીના આધારે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચ આ કૌભાંડના મૂળ સુધી પહોંચી છે. ત્યારે તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.