અમદાવાદની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદઃ શહેરની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. રશિયન ઇમેઇલથી મેઇલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સ્કૂલને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકી મળતા સ્કૂલોમાં ક્રાઈમ બ્રાંચ અને SOGએ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની જેમ એક પછી એક સ્કૂલમાં મેઇલ આવી રહ્યા છે. ચૂંટણીના એક દિવસ પહેલાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી ભર્યા મેઈલને લઈ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. હાલ તમામ સ્કૂલમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ હાજર નથી. તેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો નથી. મહત્વનું છે કે, આવતીકાલે શાળાઓમાં પોલિંગ બૂથ રાખવામાં આવ્યું છે.
આ સ્કૂલોને ધમકી મળી
- આરબી કેન્ટોન્મેન્ટ એપીએસ સ્કૂલ, શાહીબાગ
- કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી ચાંદખેડા
- ન્યૂ નોબલ સ્કૂલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા
- કેન્દ્રીય વિદ્યાલય, સાબરમતી
- ગ્રીનલોન્સ સ્કૂલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા
- મહારાજા અગ્રસેન વિદ્યાલય, મેમનગર
- આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ
- એશિયા ઈંગ્લિશ સ્કૂલ, વસ્ત્રાપુર
- કેલોરેક્ષ સ્કૂલ, ઘાટલોડીયા
- કુમકુમ વિદ્યાલય, આવકાર હોલની બાજુમાં, ઘોડાસર
- DPS, બોપલ
- શિવ આશિષ સ્કૂલ, બોપલ
- ગ્લોબલ ઇન્ટરનેશલ સ્કૂલ, બોપલ
- LDR ઇનટરનેશલ સ્કૂલ, બોપલ
સ્કૂલમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી
14 સ્કૂલમાં ચેકીંગ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. સ્કૂલના કોઈપણ વ્યક્તિએ ગભરાવવાની જરૂર નથી. ધમકીભર્યા મેઇલ જે સ્કૂલને મળ્યા છે, તેમાંથી 10 જેટલી સ્કૂલમાં મતદાન થવાનું છે. દિલ્હી સ્કૂલમાં ઇમેઇલ આવ્યો હતો, તેવો જ અમદાવાદની સ્કૂલોને મેઇલ આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમ તપાસ કરી રહી છે.