December 26, 2024

6 વર્ષના માસૂમ બાળકને સાવકી માતા-નાનીએ ડામ આપ્યાં, બંનેની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં માસૂમ બાળક પર ક્રૂરતાપૂર્વક માર મારનારી સાવકી નાની અને સાવકી માતાની ધરપકડ કરી છે. જેણે માસૂમ 6 વર્ષના બાળકને નાનીએ ચીપિયો ગરમ કરીને તેને બે ડામ પણ આપ્યા હતા. સાવકી માતા અને નાની પોલીસથી બચવા નાસતા ફરતા હતા અને સુપ્રીમકોર્ટે પણ બંનેના આગોતરા જામીન રદ્દ કરી દીધા હતા.

બોડકદેવ પોલીસે આ મામલે સાવકી માતા અને સાવકી નાનીની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ આશ્લેષા પટેલ છે. આ મહિલા આરોપી આશ્લેષા પટેલે માતા કુંદન પટેલ સાથે મળીને એક માસૂમ બાળકને માર માર્યો છે. એટલું  જ નહીં, 6 વર્ષના માસૂમ બાળકને સાવકી નાનીએ બે વખત ગરમ ચીપિયાંથી ડામ દીધા છે. જો કે, શાહીબાગમાં રહેતા વૃદ્ધે પૌત્ર સાથે શારીરિક ત્રાસ મામલે તેના પુત્ર સહિત ચાર લોકો વિરૂદ્ માં બે મહિના પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે પોલીસે સાવકી માતા અને નાનીની ધરપકડ કરી છે.

આ કેસમાં હાઈકોર્ટમાંથી પિતા નિકુંજ પટેલ અને નાના મનસુખ પટેલે આગોતરા જામીન મેળવ્યા હતા. જ્યારે સાવકી માતા આશ્લેષા પટેલ અને નાની કુંદન પટેલને સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન આપ્યા નહોતા. ત્યારે આ મામલે પોલીસે તેમની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી વૃદ્ધના મોટા દીકરાએ લગ્ન બાદ તેની પત્ની સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. જો કે, તેના દીકરાના ભરણપોષણ અને ઉછેરની જવાબદારી ફરિયાદીના પુત્રએ લીધી હતી. થોડા સમય બાદ તેણે બીજા લગ્ન કરતા તે દીકરા, નવી પત્ની અને સાસુ સસરા સાથે રહેતો હતો.

આરોપી આશ્લેષા પટેલ અને સાવકી નાનીએ કરેલા ગુના મામલે તેમના મોઢા પર કોઈ અફ્સોસ જોવા મળ્યો નથી. ત્યારે ડિસેમ્બર 2023માં સાવકી નાનીએ બાળકને ડામ આપ્યા હતા. ત્યારે સાવકી માતા અને પિતા પણ તેને માર મારતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, સાવકી નાની દ્વારા અનેક વખત માસૂમ બાળકને સોસાયટીના ગેટ પર છુટ્ટો મૂકીને ઘરે આવી ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નોંધનીય છે કે, ફરિયાદી દાદા અશોક પટેલને દોઢ મહિના પહેલાં સાવકી માતા આશ્લેષા અને તેની નાની દીકરાને મૂકવા આવ્યા હતા અને દાદા પાસે જ રહે જે તેમ કહી ચાલ્યા ગયા હતા. બાળકના દાદાએ શરીર પાર ડામનાં નિશાન જોતા સાવકી માતા અને પિતાની કરતૂત સામે આવી હતી.

પકડાયેલી બન્ને મહિલાઓ અત્યાર સુધી ક્યાં નાસતા ફરતા હતા અને છુપાવવા કોઈએ આશરો આપ્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે મા તો મા બીજા બધા વગડાનાં વા તેવી કહેવત છે, પરંતુ સાવકી માતાએ માતાને લાંછન લાગે તેવું કરતૂત કરી બાળકને ડામ આપ્યા અને હવે જેલ જવાનો વારો આવ્યો છે.