December 23, 2024

15 વર્ષની સગીરાને લઈ જઈ બળજબરી દુષ્કર્મ આચર્યું, વિધર્મીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને મળવા બોલાવી હતી. ત્યારબાદ ગાંધીનગર પાસે લઈ જઈ એક મકાનમાં તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું અને બાદમાં તેને રિવરફ્રન્ટ પાસે મૂકીને ફરાર થઈ ગયો. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ અકીલ મલેક છે. સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતા તેની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને એક મિત્ર મારફતે આરોપી અકીલ મલેક સાથે એક મહિના પહેલા સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા વાતચીત શરૂ થઈ હતી. 31 જુલાઈના રોજ આરોપીએ સગીરાને મળવા માટે જમાલપુર પાસે બોલાવી હતી. જ્યાંથી સગીરાને ગાંધીનગરના જાસપુરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે એક મિત્રની ઓરડીમાં સગીરા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન, વિવિધ માગણીઓ સાથે વિરોધ

આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને પાલડી રિવરફ્રન્ટ મૂકીને ફરાર થઈ ગયો હતો. સગીરા ઘરેથી નીકળી હોવાથી પરત ન આવતા તેની માતાએ આ બાબતને લઈને શોધખોળ કરી હતી. જ્યારે બીજા દિવસે સગીરા ઘરે પરત ફરતા માતા-પિતાએ પૂછતા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. અંતે આ ઘટનાને લઈને સગીરાની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે અકીલ મલેક સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજનો રહેવાસી છે અને ઘોડાગાડી ચલાવવાનું કામકાજ કરે છે.

હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સગીરાને અગાઉ મળ્યો છે કે કેમ અને તેણે આ કામ માટે કોની કોની મદદ લીધી છે, તે તમામ દિશામાં આરોપીની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.