December 17, 2024

ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને ગજવેશનો શણગાર

અમદાવાદઃ 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને ગજવેશનો શણગાર કરવામાં આવ્યો હતો.

જળયાત્રા બાદ 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. નિજમંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે.

અખાત્રીજથી રથયાત્રાના પર્વની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજવામાં આવી હતી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. ત્યાંથી યાત્રા સાબરમતી નદી પહોંચી હતી અને સોમનાથ ભૂદરના કિનારે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. આ જલયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિરના ટ્રસ્ટી જોડાયાં હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું.

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આગામી 7મી જુલાઈના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે અમદાવાદવાસીઓમાં પણ રથયાત્રાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસ સહિત સ્થાનિક તંત્રએ પણ રથયાત્રા માટે તમામ કામગીરી ચાલુ કરી દીધી છે. વિધિવત્ રીતે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે રથયાત્રાના રૂટ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશને પણ રૂટ પર આવતા જર્જરિત મકાનોને નોટિસ પાઠવી છે.